News Continuous Bureau | Mumbai
Michael Jackson Pets| વિશ્વના પોપ આઇકોન માઈકલ જેક્સન માત્ર તેમના મ્યુઝિક અને ડાન્સ માટે જ નહીં, પણ તેમના અનોખા અને વિશાળ ખાનગી પ્રાણી સંગ્રહાલય માટે પણ જાણીતા હતા. ૨૦૦૯માં તેમના નિધન બાદ, ચાહકોના મનમાં હંમેશા એક પ્રશ્ન રહ્યો છે કે તેમના વહાલા પ્રાણીઓનું શું થયું? આજે આ અહેવાલમાં જાણીએ તેમના પ્રિય પ્રાણીઓના હાલના ઠેકાણા.
બબલ્સ (ચિમ્પાન્ઝી): માઈકલનો સૌથી ખાસ સાથી
માઈકલના સૌથી નજીકના સાથી ગણાતા ચિમ્પાન્ઝી ‘બબલ્સ’ને ૨૦૦૫માં જ ફ્લોરિડાના ‘સેન્ટર ફોર ગ્રેટ એપ્સ’માં મોકલી દેવામાં આવ્યો હતો. આજે ૪૩ વર્ષની વયે બબલ્સ ત્યાં શાંતિપૂર્ણ જીવન જીવી રહ્યો છે. માઈકલ જેક્સનનું એસ્ટેટ તેની દેખરેખનો તમામ ખર્ચ ઉઠાવે છે.
વાઘ, સાપ અને અન્ય પ્રાણીઓનું નવું ઘર
માઈકલના પ્રખ્યાત વાઘ ‘થ્રિલર’ અને ‘સાબુ’ને ૨૦૦૬માં કેલિફોર્નિયાના ‘શાંબાલા પ્રિઝર્વ’માં ખસેડાયા હતા, પરંતુ કમનસીબે હવે તેઓ જીવિત નથી. તેમનું નિધન ૨૦૧૨ પહેલાં થઈ ગયું હતું. તેવી જ રીતે, તેમનો ૧૨ ફૂટ લાંબો પાયથોન ‘સનશાઈન’ હવે કોલોરાડોના ‘ચિલ્ડ્રન્સ નેચર સેન્ટર’માં સુરક્ષિત છે, જ્યાં બાળકો પ્રકૃતિ વિશે શીખી રહ્યા છે.
હાથી, જીરાફ અને ફ્લેમિંગોની સ્થિતિ
માઈકલના હાથીઓને ફ્લોરિડાના ‘મયક્કા એલિફન્ટ રેંચ’ અને ‘જેક્સનવિલ ઝૂ’માં સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા. જ્યારે તેમના ૧૬ ચિલિયન ફ્લેમિંગોનું ઝુંડ ન્યુ જર્સીના ‘કેપ મે કાઉન્ટી ઝૂ’માં આશ્રય મેળવી રહ્યું છે. માઈકલ જેક્સને તેમના મૃત્યુ પહેલા જ તેમના પ્રિય પ્રાણીઓને સુરક્ષિત સ્થાને રાખવાની જે વ્યવસ્થા કરી હતી, તેને કારણે આજે મોટાભાગના પ્રાણીઓ સુરક્ષિત વાતાવરણમાં જીવી રહ્યા છે.
👉 આ સમાચાર વાચો:
Kishore Kumar| એક ફિલ્મ, એક જ અવાજ! કિશોર કુમારનો એ અનોખો રેકોર્ડ, જે આજે પણ બોલિવૂડમાં કોઈ તોડી શક્યું નથી