ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,18 જાન્યુઆરી 2022
મંગળવાર.
સુર સામ્રાજ્ઞી લતા મંગેશકર છેલ્લા એક સપ્તાહથી હોસ્પિટલમાં દાખલ છે. લતા મંગેશકરના ચાહકો તે જલ્દી સ્વસ્થ થઈ ઘરે આવે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. આ દરમિયાન લતા મંગેશકરના સ્વાસ્થ્યને લઈને એક નવી માહિતી સામે આવી છે. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલ માં દાખલ લતા મંગેશકરની સારવાર કરી રહેલા ડૉક્ટરોનું કહેવું છે કે, ઉંમર વધુ હોવાના કારણે પીઢ ગાયિકાને સ્વસ્થ થવામાં સમય લાગશે.
92 વર્ષીય લતા મંગેશકરની સારવાર ડૉ. પ્રતિમા સમદાની અને તેમની ટીમના નેતૃત્વમાં કરવામાં આવી રહી છે. મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, ભારત રત્ન લતા મંગેશકરના સ્વાસ્થ્ય વિશે માહિતી આપતાં ડૉ.પ્રતીતે કહ્યું કે પીઢ ગાયિકા લતા મંગેશકર હજુ પણ ICUમાં છે અને અમે તેમના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહ્યા છીએ. વૃદ્ધાવસ્થાના કારણે તેમને સ્વસ્થ થવામાં સમય લાગશે.
ઉલ્લેખનીય છે કે કોરોના પોઝિટિવ હોવા ઉપરાંત, લતા મંગેશકરને ન્યુમોનિયાની પણ ફરિયાદ હતી, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. આ પહેલીવાર નથી જ્યારે લતા મંગેશકરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોય. લતા મંગેશકરને અગાઉ પણ ન્યુમોનિયા થયો હતો, જેના કારણે તેમને વર્ષ 2019માં પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.