ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
26 ઓક્ટોબર 2020
આર્મેનિયા અને અઝરબૈજાનની લડાઇ 29 દિવસ ચાલી. છેવટે બંને દેશો 26 ઓક્ટોબરની મધ્યરાત્રિથી યુદ્ધવિરામ લાગુ કરવા સંમત થયા હતા. યુ.એસ.ની પહેલ પર, આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે યુદ્ધવિરામ થયું છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વિદેશ પ્રધાન માઇક પોમ્પિયો દ્વારા તેની જાહેરાત કરવામાં આવી હતી.
નોંધપાત્ર વાત એ છે કે વિશ્વના નકશામાં આર્મેનિયા અને અઝરબૈજાન બે ખૂબ નાના દેશો છે, પરંતુ તેમની વચ્ચે, નાગોર્નો કારાબખને લઈને લગભગ એક મહિનાથી ભયંકર યુદ્ધ ચાલી રહયું હતું. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ યુદ્ધમાં બંને તરફથી આશરે 5000 લોકો માર્યા ગયા છે. આને કારણે, દરેકની નજર આ બંને દેશો પર છે.
આ પહેલા આર્મેનિયા અને અઝરબૈજાને એકબીજા પર શાંતિપૂર્ણ સમાધાનમાં અવરોધો મૂકવાનો આરોપ મૂક્યો હતો. આર્મેનિયાએ આઝેરી સૈન્ય પર નાગરિક વિસ્તારોમાં બોમ્બ મારો કરવાનો આરોપ લગાવ્યો હતો. તે જ સમયે, અઝરબૈજિને આ આરોપને નકારી કાઠયો અને કહ્યું કે તે યુદ્ધવિરામનો અમલ કરવા માટે તૈયાર છે, પરંતુ પહેલા આર્મેનિયન સૈન્યે યુદ્ધનું મેદાન છોડવું પડશે.
રશિયન મધ્યસ્થી દ્વારા આ યુદ્ધમાં આગાઉ બે યુદ્ધવિરામના પ્રયાસો થયા છે, પરંતુ બંને યુદ્ધવિરામ ટકી શક્યા નહીં અને લડત ફરી શરૂ થઈ હતી. હવે એ જોવું રહ્યું કે અમેરિકા દ્વારા કરવામાં આવેલા યુદ્ધવિરામનો સમયગાળો કેટલા દિવસોનો રહે છે. શું આર્મેનિયા અને અઝરબૈજાન શાંતિના માર્ગ પર પાછા આવશે અથવા થોડા દિવસો પછી બંને દેશો ફરી યુદ્ધના મેદાનમાં સામસામે જોવા મળશે..