કેનેડાના ભૂતપૂર્વ વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના વિદાય અને તેમના સ્થાને માર્ક કાર્નીના વડા પ્રધાન બન્યા પછી ભારત અને કેનેડાના સંબંધોમાં ફરી સુધારો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં દક્ષિણ આફ્રિકામાં યોજાયેલી G-૨૦ સમિટમાં પીએમ મોદી અને કેનેડિયન પીએમ માર્ક કાર્ની વચ્ચે ગરમજોશીભરી મુલાકાત થઈ હતી, જેના પગલે બંને દેશોના સંબંધોમાં સુધારો આવવાનો શરૂ થયો છે.
સંસદીય સંબંધોને મજબૂત બનાવવાની ચર્ચા
દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા માટે, ભારતીય હાઇ કમિશનર દિનેશ કે. પટનાયકે કેનેડાના હાઉસ ઓફ કોમન્સના સ્પીકર ફ્રાન્સિસ સ્કારપાલેગિયા સાથે મુલાકાત કરી. આ દરમિયાન તેમણે બંને દેશો વચ્ચેના સંસદીય સંબંધોને આગળ વધારવા, વહેંચાયેલા લોકશાહી મૂલ્યો અને ભવિષ્યમાં સહયોગની તકો પર ઉપયોગી ચર્ચા કરી.
જાન્યુઆરીમાં કેનેડિયન પ્રતિનિધિમંડળનું સ્વાગત
આવતા મહિને જાન્યુઆરીમાં ભારત કોમનવેલ્થ દેશોના સંસદોના સ્પીકરો અને પીઠાધીન અધિકારીઓના ૨૮મા સંમેલન (૨૮th CSPOC) નું આયોજન કરશે.ભારત સ્પીકર ફ્રાન્સિસ સ્કારપાલેગિયાના નેતૃત્વમાં કેનેડિયન પ્રતિનિધિમંડળનું સ્વાગત કરવા માટે ઉત્સુક છે.
ઇમિગ્રેશન મુદ્દાઓ પર બેઠક
અગાઉ, હાઇ કમિશનર પટનાયકે કેનેડાના ઇમિગ્રેશન, રેફ્યુજી અને સિટીઝનશિપ મિનિસ્ટર લીના મેટલેજ ડિયાબ સાથે પણ ઉપયોગી બેઠક કરી હતી. બેઠક દરમિયાન ભારત-કેનેડા સહયોગ વધારવા પર ચર્ચા થઈ, જેમાં ઇમિગ્રેશન પ્રક્રિયાઓ, વિદ્યાર્થીઓ સંબંધિત મુદ્દાઓ અને બંને દેશોની સિસ્ટમોની ઊંડી સમજણ પર ભાર મૂકવામાં આવ્યો હતો.ફોર્મર પીએમ જસ્ટિન ટ્રુડોના કાર્યકાળ દરમિયાન બંને દેશોના સંબંધો સૌથી નીચલા સ્તરે પહોંચી ગયા હતા, પરંતુ હવે નેતૃત્વ પરિવર્તન પછી સંબંધો ફરી પાટા પર આવતા જોવા મળી રહ્યા છે.