News Continuous Bureau | Mumbai
Donald Trump અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વર્ષ 2025 બાદ હવે 2026માં પણ સતત ચર્ચામાં રહ્યા છે. વેનેઝુએલામાં સૈન્ય અભિયાન અને તેલ ક્ષેત્ર પર કબજો જમાવવાના દાવા બાદ હવે તેમણે ટેરિફ દ્વારા થનારી કમાણી અંગે મોટો ધડાકો કર્યો છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર દાવો કર્યો છે કે ટેરિફ દ્વારા અમેરિકાની તિજોરીમાં 600 અબજ ડોલર (અંદાજે 54.12 લાખ કરોડ રૂપિયાથી વધુ) આવવાના છે. તેમણે આ શુલ્કને અમેરિકાની આર્થિક અને રાષ્ટ્રીય સુરક્ષા માટે ગેમ-ચેન્જર ગણાવ્યું છે.
મીડિયાના અંદાજો પર ટ્રમ્પનો વળતો પ્રહાર
છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ મીડિયા રિપોર્ટ્સમાં ટેરિફ દ્વારા થનારી આવકનો અંદાજ 200 થી 220 અબજ ડોલર હોવાનું જણાવવામાં આવી રહ્યું હતું. ટ્રમ્પે આ આંકડાઓને ફગાવી દેતા આરોપ લગાવ્યો છે કે મીડિયા જાણીજોઈને સાચા આંકડા છુપાવી રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, અમેરિકી સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીને પ્રભાવિત કરવા માટે આંકડાઓને ઓછા કરીને રજૂ કરવામાં આવી રહ્યા છે. ટ્રમ્પના મતે વાસ્તવિક આવક મીડિયાના અંદાજ કરતા ઘણી વધારે છે.
સુપ્રીમ કોર્ટમાં ટેરિફ વ્યવસ્થાની તપાસ અને પડકારો
ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિ હાલમાં કાયદાકીય ગૂંચવણમાં ફસાયેલી છે. અમેરિકી સર્વોચ્ચ અદાલત એ બાબતની તપાસ કરી રહી છે કે શું રાષ્ટ્રપતિએ પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો છે? અદાલતે નવેમ્બર 2025માં આ મામલે છેલ્લી સુનાવણી કરી હતી અને અંતિમ નિર્ણય 2026 સુધી ટાળી દીધો હતો. જો કોર્ટ આ ટેરિફ વ્યવસ્થાને રદ કરે છે, તો ટ્રમ્પની આર્થિક રણનીતિને મોટો ફટકો પડી શકે છે. જોકે, ટ્રમ્પને વિશ્વાસ છે કે નિર્ણય તેમના પક્ષમાં આવશે.
આ સમાચાર પણ વાંચો : Ramayana : રામાયણ અપડેટ: ‘અવતાર’ સ્ટાઈલમાં થશે રણબીર કપૂરની ફિલ્મનું શૂટિંગ, લીક થયેલી તસવીરોએ સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ
એપ્રિલ 2025 થી ‘ટેરિફ બોમ્બ’ ફોડવાની શરૂઆત
ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે 2 એપ્રિલ 2025 થી ભારત, ચીન અને બ્રાઝિલ જેવા દેશો પર ‘રેસિપ્રોકલ ટેરિફ’ એટલે કે પારસ્પરિક શુલ્ક લગાવવાની શરૂઆત કરી હતી. આ પોલિસીનો મુખ્ય હેતુ અન્ય દેશો દ્વારા અમેરિકી ઉત્પાદનો પર લગાવવામાં આવતા ઉંચા ટેક્સનો સમાન જવાબ આપવાનો હતો. ટ્રમ્પે આ દિવસને ‘લિબરેશન-ડે’ તરીકે ઓળખાવ્યો હતો. આ નીતિને કારણે વૈશ્વિક બજારમાંમોટી હલચલ મચી ગઈ છે અને વેપાર યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે.