પાકિસ્તાનમાં સતત આર્થિક સંકટને કારણે ભૂખમરો અને બેરોજગારી જેવી સ્થિતિ સર્જાઈ રહી છે, જેના કારણે દેશમાં રહેતા લોકોની વફાદારી હવે ધીમે ધીમે ખતમ થઈ રહી છે. ઈસ્લામાબાદના એક વરિષ્ઠ સંશોધન અર્થશાસ્ત્રીના જણાવ્યા મુજબ, પાકિસ્તાનમાં 67 ટકા યુવાનો એવા છે જેઓ દેશ છોડીને સારી તકો ની શોધમાં વિદેશ જવા માંગે છે. પાકિસ્તાન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડેવલપમેન્ટ ઈકોનોમિક્સ ના વરિષ્ઠ સંશોધન અર્થશાસ્ત્રી ડૉ. ફહીમ જહાંગીર ખાને જણાવ્યું કે, પાકિસ્તાનમાં 31 ટકા યુવાનો શિક્ષિત છે, પરંતુ તેમની પાસે કોઈ કામ નથી.
પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પર ચર્ચા અને તે માટે આયોજિત બે દિવસીય ઈકોનફેસ્ટ નામના ફેસ્ટિવલમાં ખાને આ નિવેદન આપ્યું હતું. કાર્યક્રમમાં બોલતા, તેમણે યુવાઓના મુદ્દાઓ પર ચર્ચા કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે, દેશમાં 200થી વધુ યુનિવર્સિટીઓ છે જે દર વર્ષે હજારો વિદ્યાર્થીઓને ડિગ્રી આપે છે, પરંતુ કોઈપણ ડિગ્રી રોજગારની ખાતરી આપતી નથી. તેમણે કહ્યું કે, એમ્પ્લોયર માત્ર ડિગ્રી પર નહીં, પરંતુ સ્કિલ પર કામ આપે છે.
આ સમાચાર પણ વાંચો : ઓસ્કર 2023: આ ભારતીય ફિલ્મ માટે ઓસ્કાર જીતવાનું સપનું તૂટી ગયું!
‘યુવાનો પાકિસ્તાન છોડવા માંગે છે’
તેમણે કહ્યું કે, શિક્ષકોની જવાબદારી છે, પરંતુ વિદ્યાર્થીઓએ પણ સક્રિય બનીને ઉદ્યોગ સાહસિકતા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. તેમણે પૂછ્યું કે, દરેક જણ નોકરી કેમ કરવા માંગે છે, આપણે એન્ટરપ્રાઇઝ કેમ નથી કરવા ઇચ્છતા? પાકિસ્તાન છોડીને અન્ય દેશોમાં જતા લોકો પર અગાઉ પણ સર્વે કરવામાં આવ્યો હતો. ત્યારે જાણવા મળ્યું કે, 15થી 24 વર્ષના યુવાનોમાં પાકિસ્તાન છોડવાની પ્રબળ ઈચ્છા છે. તત્કાલીન સરવે અનુસાર, ઓછામાં ઓછા 62 ટકા યુવાનો એવા હતા કે જેઓ દેશ છોડવા ઇચ્છતા હતા. હવે તે આંકડો વધીને 67 ટકા સુધી પહોંચી ગયો છે.