ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
30 ઓક્ટોબર 2020
ગ્રીસ અને તુર્કી માં ગઈકાલે (શુક્રવારે) 7.0 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ત્યારબાદ કેટલીય બિલ્ડિંગો ધરાશાયી થઇ ગઇ હતી. યુએસ જિયોલોજિકલ સર્વે મુજબ, આ ભૂકંપનું કેન્દ્રબિંદુ તુર્કી અને ગ્રીસની વચ્ચે સ્થિત એજિયન સાગરમાં 16.5 કિ.મી. નીચે હતું. જમીનમાં તે ઓછી ઊંડાઇએ ભૂકંપનું કેન્દ્ર હોવાને કારણે તેના તીવ્ર આંચકા અનુભવાયા હતા. આથી જ અનેક ઇમારતો ધરાશાયી થઇ ગઈ છે. દરમિયાન યુરોપિયન-ભૂમધ્યસાગર ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર એ કહ્યું કે શરૂઆતમાં ભૂકંપની તીવ્રતા 6.9 હતી અને તેનું કેન્દ્ર યુનાનના ઉત્તર-ઉત્તરપૂર્વમાં સામોસ દ્વીપમાં હતું. અમેરિકના ભૂગર્ભ સર્વેક્ષણના મતે ભૂકંપની તીવ્રતા 7.0 હતી. ભૂકંપના ઝટકા પૂર્વી યુનાનના પ્રાયદ્વીપોમાં પણ મહેસૂસ થયા. આ સિવાય રાજધાની એથેન્સમાં પણ લોકોએ ભૂકંપનો ઝાટકો મહેસૂસ કર્યો.
પ્રાપ્ત માહિતી અનુસાર તુર્કીમાં ભૂકંપ બાદ 196 જેટલા આફ્ટરશોક્સ આવ્યા હતા અને 26 લોકોના મોત તેમજ 700થી વધુ લોકો ઘાયલ થયા છે. પરંતુ ગ્રીસમાં કોઇના મોતના અહેવાલ નથી. જોકે બન્ને દેશોમાં તબાહીની સ્થિતિને જોતાં તેમાં ઉમેરો થાય તેવી પૂરેપૂરી સંભાવના છે કેમ કે અનેક ઇમારતોના કાટમાળમાં અનેક લોકો દબાયાની આશંકા છે. બન્ને દેશોમાં રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
નોંધનીય છે કે તુર્કી અને ગ્રીસના ભૂમધ્ય સાગરના તેલ અને ગેસના ભંડાર ધરાવતાં વિસ્તારોમાં કબ્જાને લઇને વિવાદ ચરમસીમાએ છે. બન્ને દેશોની સેના ભૂકંપ પ્રભાવિત વિસ્તારમાં મહિનાઓ અગાઉથી જ પેટ્રોલિંગ કરી રહી છે.