ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 નવેમ્બર, 2021
સોમવાર
પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીને તેના કૃત્યની સજા મળી છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ બાંગ્લાદેશ સામેની બીજી T20 મેચમાં બેટ્સમેન અફીફ હુસૈન પર થ્રો ફેંકવાના મામલે કડક વલણ અપનાવ્યું છે. આફ્રિદીએ આ માટે માફી માંગી હતી, પરંતુ ICCએ માફી માગ્યા પછી પણ તેને છોડ્યો ન હતો અને હવે તેના પર દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આફ્રિદીને તેની મેચ ફીના 15 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે.
અફીફ હુસૈને શાહીન આફ્રિદીની બોલ પર સિક્સર ફટકારી હતી. જેના પછી પાકિસ્તાની બોલરે ગુસ્સામાં આવીને ફોલો-થ્રુમાં બોલ લીધો હતો અને તેને સ્ટમ્પ તરફ ફેંક્યો હતો. જોકે તે સમયે હુસૈન તેની ક્રીઝ પર હતો. બોલ બેટ્સમેનને વાગ્યો અને ડોક્ટરે તેને જોવા માટે મેદાનમાં જવું પડ્યું. ICC આચાર સંહિતા અનુસાર આ 'લેવલ વન'નું ઉલ્લંઘન હતું. 24 મહિનામાં શાહીનનું આ પ્રથમ ઉલ્લંઘન હતું, જે તેના શિસ્તના રેકોર્ડમાં એક ડી-મેરીટ પોઈન્ટ ઉમેરે છે.
ICCએ એક નિવેદનમાં મીડિયાને જણાવ્યું હતું કે આફ્રિદીએ અમીરાત ICC પેનલ ઓફ મેચ રેફરીના નિયામુર રશીદ દ્વારા પ્રસ્તાવિત ઉલ્લંઘન અને દંડનો સ્વીકાર કર્યો છે અને તેથી સત્તાવાર સુનાવણીની જરૂર નથી.
જોકે આફ્રિદીએ મેચ બાદ અંગત રીતે આફીફ હુસૈનની માફી માંગી હતી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ એક વીડિયો જાહેર કર્યો હતો જેમાં શાહીન મેચ બાદ હુસૈન તરફ જતો હતો અને તેના કૃત્ય માટે માફી માગતો હતો. તેણે બાંગ્લાદેશી બેટ્સમેનને હસીને ગળે લગાવ્યો હતો. શાહીનનું બિનજરૂરી રીતે આક્રમક વર્તન ન તો પાકિસ્તાની ટીમ મેનેજમેન્ટને ન તો PCBને પસંદ આવ્યું હતું. જેના કારણે શાહીને તરત જ આફીફની માફી માગી હતી.