ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 નવેમ્બર 2021
શુક્રવાર.
પોતાની નાપાક હરકતોથી બાઝ નહીં આવેલું પાકિસ્તાન કંગાળ થઈ ગયું છે. દેશમાં ચાલી રહેલી નાણાકીય મુશ્કેલીઓ વચ્ચે કેન્દ્રીય બેંક પાસેથી ઋણ લેવા માટે દરવાજા ખુલ્લા રાખવાની પાકિસ્તાનની વિનંતીને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ ફગાવી દીધી છે. લોન પર લોન લઈને દેશને ચલાવી રહેલા પાકિસ્તાનને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે આપેલો અત્યાર સુધીનો સૌથી મોટો ઝટકો છે.
IMF પાસે પાકિસ્તાને એક અબજ ડોલરની લોન માંગી હતી.જે આપવાની IMF એ ના પાડી દીધી છે. પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાનની સરકારે આઈએમએફને મનાવવા ભારે ધમપછાડા કર્યા છે. દેશમાં વીજળી, પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ભારે વધારો કર્યો છે પણ આમ છતા આઈએમએફને સંતોષ થયો નથી. હવે ઈમરાન ખાનને પોતાના મિત્ર ચીન અથવા ગલ્ફના દેશો સામે હાથ લંબાવવો પડવાનો છે.
આ અગાઉ પણ આઈએમએફ પાકિસ્તાન સરકારના કાલાવાલા બાદ પાકિસ્તાનની ઈકોનોમીને બચાવવા માટે 6 અબજ ડોલરની વધારાની લોન આપી હતી અને તેનો પહેલો હપ્તો એક અબજ ડોલર સ્વરુપે મળવાનો હતો. પરંતુ પાકિસ્તાન અને આઈએમએફ વચ્ચે આ મુદ્દે સંમતિ થઈ નહોતી.
પાકિસ્તાનના ફાઈનાન્સ મિનિસ્ટર આઈએમએફને મનાવવા માટે વોશિંગ્ટનમાં ધામાં નાખીને પડયા છે પણ આઈએમએફ કોઈ વાત સાંભળવા તૈયાર નથી.
અમેરિકામાં કોરોના ફરી સક્રીય, સ્કૂલો ચાલુ થતાજ ૧ સપ્તાહમાં ૧.૪૧ લાખ બાળકો થયા સંક્રમિત
અહીં ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અનુક્રમે 10 અને 12 રુપિયાનો વધારો કર્યો છે.બીજી તરફ વીજળીના રેટ પ્રતિ યુનિટ 1.39 રુપિયા વધારી નાખ્યા છે.
દરેક પાકિસ્તાની પર હાલમાં 1.75 લાખ રુપિયાનુ દેવુ છે, જેમાં ઈમરાનખાન સરકારનુ યોગદાન 54 000 રુપિયાનું છે. આ બોજો છેલ્લા બે વર્ષમાં જ વધ્યો હોવાનું માનવામાં આવે છે.
