ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૪ મે ૨૦૨૧
શુક્રવાર
નેપાળમાં રાજકીય નાટક બાદ ફરી એકવાર કે. પી. શર્મા ઓલીએ નેપાળનું વડા પ્રધાનપદ સંભાળ્યું છે. હકીકતમાં, વડા પ્રધાન કે. પી. શર્મા ઓલીના નેતૃત્વ હેઠળ પુષ્પકમલ દહલ 'પ્રચંડ'ની આગેવાની હેઠળની કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ (સીપીએન)એ બુધવારે સરકારને આપેલો ટેકો પાછો ખેંચ્યા હતો અને પછી સરકારે ગૃહમાં બહુમતી ગુમાવી દીધી હતી.
ઓલીએ વિશ્વાસ મત ગુમાવ્યા બાદ રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીએ ગુરુવારે રાત સુધી સરકારની રચનાની અંતિમ તારીખ નક્કી કરી હતી, પરંતુ નેપાળના રાજકીય પક્ષો અંદરોઅંદરના જૂથવાદના કારણે કોઈ સમજૂતી કરી શક્યા ન હતા. આ અગાઉ શેર બહાદુર દેઉબાની આગેવાનીવાળી નેપાળી કોંગ્રેસે મંગળવારે વડા પ્રધાનપદ માટે દાવેદારી નોંધાવવાનો નિર્ણય લીધો હતો, પરંતુ મહાગઠબંધનની આગેવાનીવાળી જનતા સમાજવાદી પાર્ટી-નેપાળ (જેએસપી-એન)ના એક વર્ગે સરકારની રચનાની પ્રક્રિયામાં ભાગ લેવાની ના પાડતાં આ પ્રયાસ નિષ્ફળ નીવડ્યો હતો.
ગૃહમાં ઠાકુરની આગેવાનીવાળા જૂથના લગભગ ૧૬ મતો છે. નેપાળી કોંગ્રેસ પાસે ૬૧ મત છે, જેને નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીનું સમર્થન છે, જે ૪૯ મત ધરાવે છે. કોંગ્રેસ-માઓવાદી કેન્દ્રીય ગઠબંધનને ઉપેન્દ્ર યાદવની આગેવાનીવાળી જનતા સમાજવાદી પાર્ટીના લગભગ ૧૫ સાંસદોનું સમર્થન પણ છે, પરંતુ આ ત્રણેય પક્ષોના કુલ ૧૨૫ મત છે, જે ૨૭૧ સભ્યોવાળા ગૃહમાં બહુમતીના આંકડા કરતાં ૧૧ મત ઓછા છે.
ઓક્સિજનની અછતને કારણે ગોવાની આ હોસ્પિટલમાં વધુ ૧૫ દર્દીઓએ પ્રાણ ગુમાવ્યા; જાણો વિગત…
માધવકુમાર નેપાળ-ઝાલાનાથ ખનાલ જૂથ સાથે સંકળાયેલા સીપીએમ-યુએમએલના સાંસદ ભીમ બહાદુર રાવલે બંને નેતાઓની નજીકના સાંસદોને મંગળવારે નવી સરકારની રચના કરવા માટે સંસદસભ્યપદથી રાજીનામું આપવા વિનંતી કરી હતી. જો યુએમએલના ૨૮ સાંસદોએ સામૂહિક રીતે રાજીનામું આપ્યું હોત તો ૨૭૧ સદસ્યોના પ્રતિનિધિ ગૃહમાં સાંસદોની સંખ્યા ઘટીને ૨૪૩ થઈ જાત અને બહુમતીનો આંકડો પણ ઘટાડવામાં આવત અને ત્યાર બાદ નેપાળી કોંગ્રેસ અને સીપીએન-માઓવાદ કેન્દ્રીય ગઠબંધન સરળતાથી સરકાર બનાવી શકત, પરંતુ આવું થઈ શક્યું નહીં.