ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 સપ્ટેમ્બર, 2021
સોમવાર
અમેરિકામાં ૯/૧૧ના હુમલાના ૨૦મા વર્ષ નિમિત્તે રાષ્ટ્રપતિ જો બાયડેને એક દસ્તાવેજને સાર્વજનિક કરવાનો આદેશ આપ્યો છે, જે અત્યાર સુધી ગુપ્ત રખાયો હતો. અમેરિકાની એફબીઆઇએ આતંકવાદી હુમલા માટે વિમાન અપહરણ કરનારાઓને સાઉદી અરબના બે લોકોએ સહયોગ કર્યો હોવાનું કહ્યું છે. અપહરણ કરનારાઓ અમેરિકામાં સાઉદી અરબના પોતાના સાથીઓ સાથે સંપર્કમાં હતા, પરંતુ તેનો કોઇ પુરાવો નથી કે આ ષડ્યંત્રમાં સાઉદી અરબ સરકાર સામેલ હતી.
હાલમાં જ રજૂ થયેલા આ દસ્તાવેજમાં વર્ષ ૨૦૧૫માં એક એવી વ્યક્તિના ઇન્ટરવ્યૂની જાણકારી આપવામાં આવી છે, જેણે અમેરિકન નાગરિકતા માટે આવેદન કર્યું હતું અને ઘણાં વર્ષો પહેલાં સાઉદી અરબના બે નાગરિકો સાથે વારંવાર સંપર્ક કર્યો હતો. એફબીઆઇનું કહેવું છે કે આ જ નાગરિકોએ અપહરણકર્તાઓને આવશ્યક સામાનની ગોઠવણ કરવામાં મદદ કરી હતી.
અમેરિકન નાગરિકોના દબાણને કારણે જો બાયડને આ દસ્તાવેજ રજૂ કર્યો છે. નાગરિકો લાંબા સમયથી તેની માગ કરી રહ્યા હતા, જે ન્યૂ યૉર્કમાં ચાલતા તેમના કેસમાં મદદગાર થઈ શકે છે. નાગરિકોનો આરોપ છે કે સાઉદી અરબના વરિષ્ઠ અધિકારીઓનો આ હુમલામાં હાથ હતો.
જ્યારે સાઉદી અરબ સરકાર આ વાતને નકારે છે. વૉશિંગ્ટનમાં સાઉદી દૂતાવાસે જણાવ્યું હતું કે તેઓ બધા જ દસ્તાવેજો રજૂ કરવાનું સમર્થન કરે છે. જેથી તેમની સરકાર વિરુદ્ધ લાગેલા નિરાધાર આક્ષેપો ખતમ થઈ જાય.
