ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 04 સપ્ટેમ્બર, 2021
શનિવાર
અફઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા સરકાર બનાવવાનુ ફરી એક વખત ટાળી દેવામાં આવ્યું છે.
તાલિબાને કહ્યુ છે કે, હવે નવી સરકારની રચના ત્રણેક દિવસ બાદ થશે.
સાથે જ તાલિબાન સરકારમાં જે લોકો સામેલ થશે તેમના નામનો ખુલાસો પણ સરકારની જાહેરાત થશે ત્યારે જ કરવામાં આવશે.
કહેવામાં આવી રહ્યું છે કે, તાલિબાન સામે સત્તા હાંસલ કર્યા બાદ પણ પડકારો ઉભા છે.
અફઘાનિસ્તાનમાં વિવિધ સમુદાયોની આગેવાની કરતા નવ જેટલા નેતાઓ એવા છે જેઓ તાલિબાનનો વિરોધ કરી શકે તેમ છે.
તાલિબાનના સ્થાપક મુલ્લા ઉમરના પુત્ર મુલ્લા યાકુબ અને હક્કાની નેટવર્કના આગેવાન સિરાજુદ્દીન હક્કાની વચ્ચે સૈનિકો અને હથિયારો પર નિયંત્રણ કોણ રાખશે તેના પર મતભેદો હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે.
ઉપરાંત ન્યાય, ધાર્મિક મામલા અને આંતરિક સુરક્ષાના વિભાગની વહેંચણી અંગે પણ બંનેમાં ખટરાગ ચાલી રહ્યો છે.