ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 ઑક્ટોબર, 2021
શુક્રવાર
અમેરિકાએ ચાર વર્ષ બાદ પહેલી વાર ખુલાસો કર્યો છે કે તેની પાસે કેટલા પરમાણુ હથિયાર છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આંકડાને સાર્વજનિક કરવા ઉપર પ્રતિબંધ લગાવ્યો હતો. બાયડન સરકારે આ પ્રતિબંધ હટાવીને પ્રથમવાર આંકડા રજૂ કર્યા છે.
5મી ઓક્ટોબરના રોજ રજૂ કરાયેલા આંકડાઓ મુજબ અમેરિકા પાસે સક્રિય અને નિષ્ક્રિય મળીને 3750 પરમાણુ હથિયાર છે. આ સંખ્યામાંથી વર્ષ 2018માં 55 અને વર્ષ 2019માં 72 હથિયાર ઓછા થયા હતા. આંકડા વધુ મહત્વના એટલે છે કારણકે, વર્ષ 1967થી પછી અમેરિકા પાસે પરમાણુ હથિયારોની સૌથી ઓછી સંખ્યા છે. વર્ષ 1967માં શીતયુદ્ધ ટોચ પર હતું તે વખતે અમેરિકા પાસે 31,255 પરમાણુ હથિયાર હતા.
બાયડન સરકાર રશિયા સાથે પરમાણુ હથિયારોના નિયંત્રણને લઈને ગંભીર વાતચીત શરૂ કરવાના પ્રયત્નોમાં છે. ટ્રમ્પ સરકારે આ બાબતે પ્રયત્નો કર્યા ન હતા. ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાને રશિયા સાથે થયેલી ઇન્ટરમિડીયેટ રેન્જ ન્યુક્લિયર સંધિથી અલગ કર્યો હતો અને ઇરાન સાથે થયેલા પરમાણુ કરારને પણ તોડી દીધો હતો. આ સાથે જ રશિયા સાથે થયેલા ન્યુ સ્ટાર્ટ ટ્રીટીને આગળ વધારવાની વાત પણ અધવચ્ચે છોડી દીધી હતી. ન્યુ સ્ટાર્ટ ટ્રીટી 5 ફેબ્રુઆરીના રોજ ખતમ થયો હતો અને તેને આગળ વધારવાની શક્યતા ઉપર પાણી ફરી ગયું હતું.
બાયડને આ વર્ષે જૂનમાં રશિયાના રાષ્ટ્રપતિ સાથે ન્યૂ સ્ટાર ટ્રીટી પર વાતચીત કરી હતી. બાયડન સરકારે ગત વર્ષે સત્તામાં આવ્યા બાદ આ સંધિને પાંચ વર્ષ માટે વધારી દીધી હતી. જેમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિને સહમતિ દર્શાવી છે. આ કરાર હેઠળ બંને દેશ 1550 પરમાણુ હથિયાર જ રાખી શકશે.