ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 નવેમ્બર, 2021
શનિવાર
વિશ્વના સૌથી શક્તિશાળી દેશ ગણાતા અમેરિકામાં ડ્રગનું દૂષણ એક મોટી સમસ્યા બની ગયું છે. લોકો નશો કરવા માટે અલગ-અલગ તરકીબો કરતા પણ ડરતા નથી. અમેરિકામાં આવો જ બીજો એક પ્રયોગ આજકાલ લોકોમાં વ્યાપકપણે ફેલાયેલો છે. અમેરિકન લોકો દ્વારા ચોક્કસ જાતિના દેડકાના ઝેરનો નશો નોંધપાત્ર રીતે વધ્યો છે. હંમેશા કોઈને કોઈ વાદમાં રહીને કુખ્યાત બનેલા અમેરિકન બોક્સિંગ ચેમ્પિયન માઈક ટાયસન તેમના નવા શોખને લીધે ચર્ચામાં છે. ટાયસનને ટોડ વેનોમ દેડકાના ઝેરનો નશો કરવાની લત લાગી છે.
આ વિશે વાત કરતા માઈક ટાયસને મીડિયાને જણાવ્યું કે જ્યારે તેણે પહેલી વાર દેડકાના ઝેરનો નશો કર્યો અને તેને શ્વાસમાં લીધો ત્યારે તેને લાગ્યું કે હવે તે મરી જશે. માઈકને ચાર વર્ષ પહેલા તેના મિત્ર પાસેથી ખબર પડી હતી કે દેડકાના ઝેરથી પણ નશો ચડે છે. માઈકે કહ્યું કે આ નશાએ તેને વધુ સર્જનાત્મક બનાવ્યો છે અને તેને ધ્યાન કેન્દ્રિત કરવામાં પણ મદદ કરી છે. ટાયસનને જ્યારે ખબર પડી કે દેડકાના ઝેરનો નશો કરવાથી વજન ઘટે છે. તે પછી તેણે તેનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું ત્યારે તેનું 100 પાઉન્ડ વજન ઘટ્યું હતું. આ સિવાય તે ડ્રગ્સ અને આલ્કોહોલનો પણ વ્યસની છે.
ટોડ વેનોમ ડ્રગ શું છે?
આ ડ્રગ અમેરિકાના દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં કોલોરાડો નદીમાં જોવા મળતા ટોડ વેનોમ નામના દેડકામાંથી બનાવવામાં આવે છે. આ દેડકા સાત મહિના સુધી ભૂગર્ભમાં રહે છે. આવા દેડકાના ઝેરમાંથી બનેલી ડ્રગ સામાન્ય ડ્રગ કરતાં ચારથી છ ગણી વધુ શક્તિશાળી હોય છે. આ ઝેર માત્ર 30 સેકન્ડમાં અસર કરે છે અને અડધા કલાક સુધી વ્યસની હલનચલન કરી શકતો નથી. આવી સ્થિતિમાં ડ્રગ લેતી વખતે સાથે કોઈનું હોવું પણ ખૂબ જ જરૂરી છે. દેડકાના ઝેરથી મૃત્યુ પણ થઇ શકે છે. સંશોધન મુજબ આ ઝેરમાં ચાર પ્રકારના તત્વો છે.
તેની હૃદય, મગજ અન્ય અવયવો પર ગંભીર અસર થાય છે. આ ડ્રગ પર અમેરિકામાં પ્રતિબંધ છે અને તેની સાથે પકડાયેલા વ્યક્તિને 10 વર્ષની જેલની સજા થાય છે.