News Continuous Bureau | Mumbai
Donald Trump અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફને ગેરકાયદે ઠેરવ્યાના ગણતરીના દિવસોમાં જ વધુ એક ફેડરલ કોર્ટે તેમની ‘થર્ડ કન્ટ્રી’ ડિપોર્ટેશન પોલિસીને ગેરબંધારણીય ગણાવી છે. મેસેચ્યુસેટ્સના યુએસ ડિસ્ટ્રિક્ટ જજ બ્રાયન ઈ. મર્ફીએ આ આદેશ જારી કરતા જણાવ્યું હતું કે પ્રવાસીઓને કોઈ પણ કાયદાકીય પ્રક્રિયા વિના અન્ય દેશમાં મોકલી શકાય નહીં.ટ્રમ્પ પ્રશાસનની આ નીતિનો હેતુ એવા પ્રવાસીઓને અન્ય દેશોમાં મોકલવાનો હતો જેમની સાથે તેમનો કોઈ સંબંધ નથી. જજ મર્ફીએ નોંધ્યું હતું કે અમેરિકાના મૂળભૂત સિદ્ધાંત મુજબ કોઈ પણ વ્યક્તિને કાયદાકીય પ્રક્રિયા વિના તેની સ્વતંત્રતાથી વંચિત રાખી શકાય નહીં. જોકે, કોર્ટે સરકારને અપીલ કરવા માટે ૧૫ દિવસનો સમય આપ્યો છે.
શું છે ‘થર્ડ કન્ટ્રી’ પોલિસી અને વિવાદ?
ટ્રમ્પ પ્રશાસન એવા પ્રવાસીઓને નિશાન બનાવી રહ્યું હતું જેમને તેમના મૂળ દેશમાં મોકલવા જોખમી હતા, તેથી તેમને ત્રીજા દેશમાં (જેમ કે દક્ષિણ સુદાન અથવા મેક્સિકો) મોકલવામાં આવતા હતા. જજ મર્ફીએ ટિપ્પણી કરી કે આ નીતિ પ્રવાસીઓને વાંધો ઉઠાવવાની તક આપ્યા વિના જ દેશનિકાલ કરી દે છે, જે કાયદાકીય રીતે ખોટું છે. અગાઉ દક્ષિણ સુદાન મોકલવામાં આવેલા પ્રવાસીઓના કેસમાં પણ વહીવટીતંત્ર પર તથ્યો છુપાવવાનો આક્ષેપ થયો હતો.
જજ મર્ફીની કડક ટિપ્પણી
ચુકાદો સંભળાવતા જજ મર્ફીએ કહ્યું કે, “આ દેશમાં કોઈ પણ ‘વ્યક્તિ’ને યોગ્ય કાયદાકીય પ્રક્રિયા (Due Process of Law) વિના જીવન અથવા સ્વતંત્રતાથી વંચિત કરી શકાય નહીં.” તેમણે એમ પણ ઉમેર્યું કે ટ્રમ્પ વહીવટીતંત્ર વારંવાર કોર્ટના આદેશોનું ઉલ્લંઘન કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ગયા માર્ચમાં પણ ઘણા પ્રવાસીઓને જરૂરી પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના જ અલ સાલ્વાડોર અને મેક્સિકો મોકલી દેવામાં આવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : 14 Lokas in Hindu Mythology: આપણા બ્રહ્માંડની નીચે શું છે? પાતાળ લોકથી સત્ય લોક સુધીની યાત્રા અને અનંત કાળના રક્ષક શેષનાગની રહસ્યમય કથા..
હવે સુપ્રીમ કોર્ટમાં થશે અંતિમ ફેંસલો
ફેડરલ કોર્ટના આ આદેશ બાદ ટ્રમ્પ વહીવટીતંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ મામલો પહેલેથી જ દેશની સર્વોચ્ચ અદાલત (સુપ્રીમ કોર્ટ) સુધી પહોંચી ચૂક્યો છે. અગાઉ સુપ્રીમ કોર્ટે વહીવટીતંત્રના પક્ષમાં સ્ટે આપ્યો હતો, પરંતુ નવા તથ્યો અને ફેડરલ કોર્ટના કડક વલણ બાદ હવે સુપ્રીમ કોર્ટ આ મામલે શું વલણ અપનાવે છે તેના પર સમગ્ર વિશ્વની નજર છે.