News Continuous Bureau | Mumbai
Bangladesh બાંગ્લાદેશમાંઅલ્પસંખ્યક હિન્દુ સમુદાય પર થઈ રહેલા હુમલાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા. છેલ્લા 24 કલાકમાં હિન્દુ વ્યક્તિ પર હુમલાની આ બીજી મોટી ઘટના સામે આવી છે. નરસિંગડી જિલ્લામાં કિરાણા સ્ટોર ચલાવતા મોની ચક્રવર્તી નામના હિન્દુ વ્યક્તિ પર સોમવારે રાત્રે અજાણ્યા શખ્સોએ ધારદાર હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓને કારણે હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સ્થાનિક હિન્દુઓમાં ભારે દહેશતનો માહોલ છે.
બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યાઓનો સિલસિલો
બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક સમયથી હિન્દુઓને ટાર્ગેટ કરવાની ઘટનાઓ વધી છે. 3 જાન્યુઆરીના રોજ 50 વર્ષીય ખોકન ચંદ્ર દાસની પણ નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી અને તેમના મૃતદેહને આગ ચાંપી દેવામાં આવી હતી. આ અગાઉ 24 ડિસેમ્બરે રાજવાડીમાં અમૃત મંડળ નામના વ્યક્તિની માર મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાઓ પાછળ કટ્ટરપંથી તત્વોનો હાથ હોવાની આશંકા સેવાઈ રહી છે, જેમના પર લગામ લગાડવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હોય તેવું જણાય છે.
ઈશનિંદાના નામે મોબ લિંચિંગની ભયાનક ઘટનાઓ
હિન્દુ યુવાનોને ઈશનિંદાના ખોટા આરોપમાં ફસાવીને ભીડ દ્વારા માર મારીને હત્યા કરવાની ઘટનાઓ પણ વધી છે. 18 ડિસેમ્બરે મેમનસિંહ શહેરમાં 25 વર્ષીય દીપુ ચંદ્ર દાસને ભીડ દ્વારા રહેંસી નાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેના શબને સળગાવી દેવામાં આવ્યું હતું. આ પ્રકારની મોબ લિંચિંગની ઘટનાઓએ માનવતાને શર્મસાર કરી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે માનવાધિકાર સંગઠનો આ મામલે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Western Railway: મુંબઈગરાઓ સાવધાન! કાંદિવલી-બોરીવલી વચ્ચે કામગીરીને પગલે મંગળવાર અને બુધવારે પશ્ચિમ રેલવેની આટલી લોકલ રદ
હિન્દુઓના મકાનોને નિશાન બનાવી આગજની
માત્ર હત્યાઓ જ નહીં, પણ હિન્દુઓની મિલકતોને પણ નિશાન બનાવવામાં આવી રહી છે. ચટગાંવના રાઉઝાન વિસ્તારમાં કતારમાં કામ કરતા બે પ્રવાસી મજૂરોના ઘરમાં અજાણ્યા લોકોએ આગ લગાવી દીધી હતી. સદનસીબે પરિવારના સભ્યો સમયસર બહાર નીકળી જતા મોટી જાનહાનિ ટળી હતી. બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા એક મોટો પ્રશ્ન બની ગઈ છે અને ભારત સરકારે પણ આ મુદ્દે અનેકવાર ચિંતા વ્યક્ત કરી છે.
