ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
15 ઓક્ટોબર 2020
આર્મી ચીફ જનરલ મનોદ મુકુંદ નરવણે નવેમ્બરના પહેલા અઠવાડિયામાં નેપાળની મુલાકાતે આવશે. મે મહિનામાં નેપાળ દ્વારા નવા રાજકીય નકશાને બહાર પાડવામાં આવવાના કારણે બંને દેશોના સંબંધોમાં તણાવ આવ્યા બાદ ભારતથી નેપાળની ઉચ્ચ સ્તરીય વ્યક્તિની આ પહેલી મુલાકાત છે. આ નકશામાં નેપાળે ઉત્તરાખંડના ઘણા વિસ્તારોનો દાવો કર્યો છે.
નેપાળ સરકારે એક નિવેદન બહાર પાડી જણાવ્યુ છે કે, 'નેપાળ સરકારે 3 ફેબ્રુઆરીના રોજ આ મુલાકાતને મંજૂરી આપી દીધી છે. પરંતુ બંને દેશોમાં કોરોના લોકડાઉનને કારણે સ્થગિત કરવામાં આવી હતી. નિવેદનમાં આગળ કહેવાયું છે કે બંને દેશોની સેનાઓ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા કરાર મુજબ નેપાળના રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારી આ યાત્રા દરમ્યાન એક સમારોહમાં જનરલ નરવણેને નેપાળી સેનાના જનરલ રેન્કની માનદ રેંક પ્રદાન કરશે. આ પરંપરા 1950 માં શરૂ થઈ હતી, જે બંને દેશોની સૈન્ય વચ્ચેના મજબૂત સંબંધોને પ્રતિબિંબિત કરે છે. આ પરંપરા હેઠળ ભારત નેપાળી સેનાના વડાને ભારતીય સૈન્યના જનરલને માનદ પદ પણ આપે છે.
નોંધનીય છે કે ગત આઠ મેના રોજ રક્ષામંત્રી રાજનાથ સિંહએ ઉત્તરાખંડમાં લીપુલેખ પાસને ધારચુલાથી જોડતો 80 કિલોમીટર લાંબા રસ્તાનું ઉદ્ઘાટન કર્યું હતું. નેપાળે રસ્તાના ઉદ્ઘાટનનો વિરોધ કરતા આ ક્ષેત્ર ઉપર પોતાનો દાવો કર્યો હતો. તેના થોડા દિવસો બાદ નેપાળે નવા રાજનીતિક નક્શો જાહેર કરીને લિપુલેખ, કાલાપાની અને લિંપિયાધુરાને પોતાના વિસ્તારના રૂપમાં દર્શાવ્યો હતો. વિવાદની વચ્ચે જનરલ નરવણે ચીન તરફ ધ્યાન દોરતાં જણાવ્યું હતું કે, નેપાળે “બીજા કોઈના કહેવાથી” રસ્તો ખોલવાનો વિરોધ કર્યો હોવાના માનવાના કારણો છે. આ અંગે નેપાળે તીવ્ર પ્રતિક્રિયા આપી હતી.