ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 નવેમ્બર, 2021
બુધવાર
અવાર નવાર એવા અનેક સમાચાર સામે આવે છે, જે જાણીને ખૂબ જ આશ્ચર્ય થાય છે. આવા જ સમાચાર સિંગાપોરથી આવ્યા છે, જ્યાં સિંગાપોરની સર્વોચ્ચ અદાલતે ડ્રગ હેરફેરના દોષિત 33 વર્ષીય ભારતીય મૂળના વ્યક્તિના મૃત્યુદંડ પર અસ્થાયી રૂપે રોક લગાવી છે.
વાત જાણે એમ છે કે આરોપી કોરોનાથી સંક્રમિત થયો છે, જેના કારણે મંગળવારે તેની સજાના અમલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આરોપીને ડ્રગ્સની દાણચોરીના આરોપમાં બુધવારે ફાંસી આપવામાં આવનાર હતી. પરંતુ, સિંગાપોરની હાઈકોર્ટે તેની અપીલ પર ઓનલાઈન સુનાવણી પૂર્ણ ન થાય ત્યાં સુધી તેને ફાંસી આપવાની તારીખ સ્થગિત કરી દીધી છે.
આરોપીને તેની ફાંસીની સજા સામેની અંતિમ અપીલની સુનાવણી માટે અપીલીય કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. પરંતુ, પછી તેને થોડા સમય માટે પાછો લઈ જવામાં આવ્યો, ત્યારબાદ વકીલે કોર્ટને જણાવ્યું કે આરોપી કોરોના પોઝિટિવ છે. સાથે એવું પણ કહેવામાં આવ્યું કે આરોપી માનસિક રીતે બીમાર છે. ન્યાયાધીશે કહ્યું કે કોર્ટનું માનવું છે કે "વર્તમાન સંજોગોમાં" મૃત્યુદંડની અમલવારી સાથે આગળ વધવું યોગ્ય નથી. જજ ફેંગે કહ્યું કે જો આ વ્યક્તિ કોરોના સંક્રમિત થઈ ગયો હોય તો તેને ફાંસી આપી શકાય નહીં. આ સાથે તેમણે કેસની સુનાવણી મુલતવી રાખી હતી પરંતુ હજુ આગામી તારીખ નક્કી કરવામાં આવી નથી. તેમણે કહ્યું કે જ્યાં સુધી સુનાવણી પૂરી ન થાય ત્યાં સુધી અરજદારને ફાંસી આપવામાં આવશે નહીં.
ઉલ્લેખનીય છે કે આરોપીને 2009માં સિંગાપોરમાં 42.75 ગ્રામ હેરોઈન લાવવા બદલ 2010માં ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. તે 2011માં ઉચ્ચ ન્યાયાલયમાં, 2019માં સર્વોચ્ચ ન્યાયાલય તથા 2019માં રાષ્ટ્રપતિ પાસેથી રાહત મેળવવામાં નિષ્ફળ રહ્યો. આરોપીને ફાંસી પર ચઢાવવાનો સમય નજીક આવવા પર આ મામલો આંતરરાષ્ટ્રીય ચર્ચામાં આવ્યો હતો.
ગુજરાતના આ શહેરના રાજમાર્ગો પરથી નોનવેજનું દુષણ હટાવવા ઓપરેશન શરૂ, મેયર એ આપ્યા આદેશ; જાણો વિગતે