News Continuous Bureau | Mumbai
Bangladesh Violence બાંગ્લાદેશમાં છાત્ર નેતા શરીફ ઉસ્માન હાદીના મોતના સમાચાર વાયુવેગે પ્રસરતા જ આખું દેશ હિંસાની આગમાં લપેટાયું છે. રોષે Bangladesh Violenceભરાયેલા પ્રદર્શનકારીઓએ ઢાકામાં અનેક મીડિયા હાઉસ અને પૂર્વ પીએમ શેખ હસીનાની પાર્ટી ‘અવામી લીગ’ની ઓફિસોને નિશાન બનાવી આગ ચાંપી દીધી છે. સ્થિતિ એટલી ગંભીર છે કે મોહમ્મદ યુનુસની વચગાળાની સરકારે તાત્કાલિક હાઈ-લેવલ બેઠક બોલાવવી પડી છે.
મીડિયા સંસ્થાઓ પર હુમલો અને પત્રકારો પર અત્યાચાર
બાંગ્લાદેશમાં ભભૂકી ઉઠેલી હિંસા દરમિયાન મીડિયા હાઉસ અને પત્રકારોને સૌથી વધુ નિશાન બનાવવામાં આવ્યા છે, જેના કારણે પ્રેસની સ્વતંત્રતા પર ગંભીર જોખમ ઊભું થયું છે. ઉશ્કેરાયેલા પ્રદર્શનકારીઓએ ‘ધ ડેલી સ્ટાર’ની ઈમારતમાં આગ લગાવી દીધી હતી અને ‘પ્રોથોમ આલો’ના દફતરમાં ભારે તોડફોડ કરી હતી. સૌથી ભયાનક બાબત એ છે કે, આ ભીડે રિપોર્ટિંગ કરી રહેલા મીડિયા કર્મીઓ પર જીવલેણ હુમલા કર્યા હતા અને કેટલાક પત્રકારોને તો જીવતા સળગાવવાનો પણ ક્રૂર પ્રયાસ કર્યો હોવાના અત્યંત ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા છે.
અવામી લીગના કાર્યાલયો ફૂંકી માર્યા
બીજી તરફ, પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની પાર્ટી ‘અવામી લીગ’ વિરુદ્ધનો જનરોષ પણ ફરી સપાટી પર આવ્યો છે. રાજશાહીમાં સ્થિત અવામી લીગના કાર્યાલયમાં ઘૂસીને પ્રદર્શનકારીઓએ ફર્નિચર અને અન્ય કિંમતી સામાનને આગને હવાલે કરી દીધો હતો. આ હિંસા પાછળનું મુખ્ય કારણ શરીફ ઉસ્માન હાદી પર થયેલો હુમલો છે; પ્રદર્શનકારીઓ સીધો આરોપ લગાવી રહ્યા છે કે હાદીની હત્યાના કાવતરા પાછળ અવામી લીગ અને તેના સમર્થકોનો હાથ છે. આ આક્ષેપોને કારણે દેશભરમાં અવામી લીગના નેતાઓ અને તેમની મિલકતો પર હુમલાઓ વધી રહ્યા છે.
શાહબાગ ચોક પર જનસેલાબ અને વિરોધ
હાદીના મોતની પુષ્ટિ થતા જ મોટી સંખ્યામાં લોકો શાહબાગ ચોક પર એકઠા થયા હતા.હાથમાં તખ્તીઓ લઈને લોકોએ અંતરિમ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને આરોપ લગાવ્યો કે સરકાર હાદીની સુરક્ષા કરવામાં નિષ્ફળ રહી છે.પ્રદર્શનકારીઓએ મુખ્ય માર્ગો પર જામ લગાવી દીધો હતો, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો.
આ સમાચાર પણ વાંચો : Bangladesh: શરીફ ઉસ્માન હાદીના મોતે બાંગ્લાદેશમાં સર્જી તંગદિલી: જાણો કોણ છે આ નેતા અને કેમ તેમના નિધનથી આખા દેશમાં મચી ગઈ છે ભારે હિંસા?
મોહમ્મદ યુનુસની શાંતિની અપીલ
દેશમાં વણસી રહેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વચ્ચે વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે લોકોને શાંતિ જાળવવા વિનંતી કરી છે. તેમણે કહ્યું કે દોષિતોને છોડવામાં આવશે નહીં અને લોકોએ કાયદો હાથમાં ન લેવો જોઈએ. બીજી તરફ, સિંગાપોરથી હાદીનો મૃતદેહ બાંગ્લાદેશ લાવવાની તૈયારીઓ પણ ચાલી રહી છે, જેને પગલે વધુ હિંસા થવાની આશંકા છે.
