ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
14 સપ્ટેમ્બર 2020
ઈઝરાયેલમાં આજકાલ એક નાના બાળકની સર્વત્ર ચર્ચા થઈ રહી છે. આ ટપુડાએ 1100 વર્ષ અગાઉ જમીનમાં દટાયેલો ખજાનો શોધી કાઢ્યો છે. એક ખોદકામ દરમ્યાન એક હજાર વર્ષથી પણ વધુ જુના, માટીના વાસણમાં દટાયેલા સેંકડો સોનાના સિક્કા મળી આવ્યાં છે. આ અંગે ઇઝરાઇલ એન્ટિક્વિટીઝ ઓથોરિટીએ સોમવારે જણાવ્યું હતું કે ઇઝરાઇલી પુરાતત્ત્વવિદ દ્વારા 18 ઓગસ્ટના દિને શહર ક્રિસ્પિન વિસ્તારમાંથી આ ચરુ શોધી કાઢવામાં આવ્યો છે. આ સોનાના સિક્કા અબ્બાસીદ વંશના હોવાનું સિક્કા પર સાફ છપાયેલું છે. કોઈ સ્થાનિક વ્યક્તિએ આ ખજાનો 1,100 વર્ષો પહેલા અહીં દફનાવ્યો હોવો જોઈએ. જોકે આ ચરુના માલિકની ઓળખ હજી એક રહસ્ય છે. અહીં ખોદકામ કરતા સ્વયંસેવકએ કહ્યું હતું કે “મેં જમીનમાં ખોદકામ કરી માટી ખસેડવી શરૂ કરી ત્યારે જોયું કે ખૂબ પાતળા પાંદડા જેવું કંઈક નીચે છે. જ્યારે મેં ફરી ખોદયું ત્યારે સમજાયુ કે આ સોનાના સિક્કા હતા. આવા વિશેષ અને પ્રાચીન ખજાનો મેળવીને મને ખરેખર રોમાંચ થયો હતો.”
એન્ટિક્વિટીઝ ઓથોરિટીના સિક્કના નિષ્ણાતે કહ્યું કે ' નવમી સદીના અબ્બાસીદ ખિલાફત સમયગાળાના અંતમાં 24 કેરેટ શુદ્ધ સોનાના સિક્કા ચલણમાં હતાં અને જે વ્યક્તિએ આ પૈસા છુપાવ્યા હશે તે તત્કાલીન સમયનો કોઈ માલદાર આદમી જ હશે.'
