ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 27 ડિસેમ્બર 2021
સોમવાર
અત્યાર સુધી તમે બસ રસ્તા પર જતી જાેઈ હશે. તમે કલ્પના ક્યારેય નહીં કરી હોય કે આ બસ રેલવે ટ્રેક પર પણ દોડતી હોય તો! આ કલ્પના જાપાનના કાયો શહેરમાં સાચી થતી જોવા મળી રહી છે. જાપાનમાં શનિવારથી રસ્તા સાથે રેલવે ટ્રેક પર દોડતી બસ સર્વિસ શરૂ થઈ છે. તેને DMV (ડ્યુઅલ મોડ વ્હીકલ) નામ અપાયું છે.

જાપાનની આ મિની બસની લંબાઈ ૮ મીટર અને વજન ૫.૮૫ ટન છે. તે સામાન્ય રબરના ટાયર પર જ ચાલે છે, પરંતુ રેલવે ટ્રેક પર તેના ટાયર ઈન્ટરચેન્જ થઈ જાય છે. આ ડ્યુઅલ મોડ વ્હીકલ બનાવનાર કંપનીનું કહેવું છે કે નાનાં શહેરો માટે આ બસ વરદાન સાબિત થશે. એક DMV માં ૨૧ યાત્રી સફર કરી શકે છે.

રેલવે ટ્રેક પર આ બસ 60kmphની સ્પીડ તો રસ્તા પર તે 100kmphની સ્પીડે દોડશે. રેલવે ટ્રેક પર આ મિની બસના આગળના ટાયર ઉપર ઉઠી જાય છે. પાછલા ટાયર બસને ટ્રેક પર આગળ ધપાવે છે.

અર્થાત માત્ર ટાયર મેનેજમેન્ટથી જ રસ્તા પર દોડતી બસ રેલવે ટ્રેક પર કામ કરવા લાગે છે. DMVનું સંચાલન ASA કોસ્ટ રેલવે કંપની કરી રહી છે. કંપનીના CEOનું કહેવું છે કે કાયો શહેરમાં લોકલ ટ્રાન્સપોર્ટ સર્વિંસ આપતી કંપની નફો મેળવવા માટે સંઘર્ષ કરી રહી છે, DMVથી તેમને ફાયદો થશે.
