ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યૂરો
મુંબઈ
10 સપ્ટેમ્બર 2020
વર્લ્ડ ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશનના વર્ષ 2018 સુધીમાં નોંધાયેલા આંકડાઓ મુજબ ' પેટન્ટ અને ટ્રેડમાર્ક ફાઇલિંગમાં ' ભારતનો રેકોર્ડ ખૂબ જ કંગાળ છે. વિશ્વના ટોચના દસ અર્થતંત્રમાં 2018 ના અંતે 23.66 લાખ પેટન્ટ સાથે ચીન વિશ્વમાં સૌથી મોખરે છે તો માત્ર 60,865 પેટન્ટ સાથે ભારતનો ક્રમ આઠમો છે. ચીન પછી 20.54 લાખ પેટન્ટ સાથે જાપાન બીજા સ્થાને છે. ત્યારપછી 7.04 લાખ પેટન્ટ સાથે જર્મની અને 6.02 લાખ સાથે ફ્રાંસ આવે છે. 5.72 લાખ સાથે ઈંગ્લેન્ડ, 1.84 લાખ સાથે કેનેડા અને 1.44 લાખ સાથે અમેરિકા અનુક્રમે પાંચમા, છઠ્ઠા અને સાતમા સ્થાને છે.
સામાજિક, આર્થિક અને રાજકીય વિષયો પર સંશોધન કરનાર રિસર્ચ સ્કોલર કહે છે કે ચીન પાસે 2009 માં માત્ર 4.38 લાખ પેટન્ટ હતી. તે દસ વર્ષમાં છ ગણી વધીને 23.66 લાખ થઈ છે. તેની સામે ભારત 37,334 થી વધીને માત્ર 60,865 સુધી પહોંચ્યું છે…. ટ્રેડમાર્ક ફાઈલિંગમાં પણ ભારતનો રેકોર્ડ દયનીય છે. ચીને 2009 માં 8.38 લાખ ટ્રેડમાર્ક માટે ફાઇલ કર્યા હતા તે દસ વર્ષમાં વધીને 10 ગણા એટલે કે 81.11 લાખ થઈ ગયા તેની સામે ભારત 1.54 લાખથી વધીને 3.34 લાખ એટલે કે લગભગ બે ગણા થયા. ચીનના 81.11 લાખની સામે આપણા માત્ર 3.34 લાખ ટ્રેડમાર્ક ફાઇલ થયા છે…. ઇન્ડસ્ટ્રિયલ ડિઝાઇનમાં તો ભારત ક્યાંય દ્રષ્ટિગોચર જ થતું નથી. ચીને 2018 માં 9.57 લાખ ઇન્ડસ્ટ્રિયલ ડિઝાઇન ફાઇલ કરી, તેની સામે ભારતે માત્ર 15211ફાઇલ કરી. ઇન્ડસ્ટ્રિયલ ડિઝાઇનમાં જર્મની, અમેરિકા અને ઈટાલી ભારત કરતાં માઈલો આગળ છે.
ઉદાહરણ તરીકે જોઈયે તો યોગ મુળ ભારતની પ્રાચીન વિદ્યા છે. પરંતુ આપણે હજુ પણ કુંભકર્ણની નિંદ્રામાં જ પોઢેલા સાબિત થયાં છીએ. પ્રાચીન ભારતીય યોગાસનોના લગભગ 150 પેટન્ટ, 2000 જેટલા ટ્રેડમાર્ક અને 150 જેટલા કોપીરાઇટ અમેરિકાએ કરાવી લીધા છે. યોગ વિદ્યા ભારતનું પરંપરાગત અને પ્રાચીન જ્ઞાાન છે. આમ છતાં બીજા દેશ દ્વારા તેનું પેટન્ટ, ટ્રેડમાર્ક અને કોપીરાઇટ કરાવવુ આપણા માટે દુર્ભાગ્યપૂર્ણ વાત છે.
કરુણતાં એ છે કે સરકાર દ્વારા પણ રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે બજેટ પણ ખૂબ ઓછુ ફાળવવામાં આવે છે, જેના કારણે આર.એન્ડ ડી.વિભાગ પેટન્ટ, કોપીરાઇટ અને ટ્રેડમાર્ક રજિસ્ટર કરાવવાની માહિતી સંશોધકો, ઉદ્યોગો, વિદ્યાર્થીઓ અને યુનિવસટી સુધી પહોચાડી શકવામાં નિષ્ફળ નિવડે છે.. આજના હાઇટેક અને સ્પર્ધાત્મક યુગમાં કોઇપણ પ્રોડક્ટના પેટન્ટ અને ટ્રેડમાર્ક લેવા એ બહુ અનિવાર્ય બની ગયું છે પરંતુ હજુ આપણે આ મામલે જાગૃત નથી..