ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22, સપ્ટેમ્બર 2021
બુધવાર.
ભારતમાં હજી કોરોનાનું સંકટ ટળ્યું નથી, ત્યાં ‛હવાના સિન્ડ્રોમ’ની વાત સામે આવી છે.
વાત જાણે એમ છે કે અમેરિકાની બહુચર્ચિત જાસૂસી સંસ્થા સીઆઈએના ડિરેક્ટર વિલિયમ બર્ન્સ આ મહિને ભારત આવ્યા હતા. તેમની સાથે આવેલા સીઆઈએના એક અધિકારી પર હવાના સિન્ડ્રોમનો રહસ્યમય હુમલો થયો હતો. તેમણે અમેરિકામાં સારવાર કરાવવી પડી હતી. એક મીડિયાહાઉસના રિપોર્ટ અનુસાર સીઆઈએના અધિકારીમાં સતત હવાના સિન્ડ્રોમના લક્ષણ જોવા મળ્યા હતા. અત્યાર સુધીમાં અમેરિકાના અંદાજે ૨૦૦ અધિકારીઓ અને તેમના પરિવારજનો આ રહસ્યમય બીમારીનો ભોગ બની ગયા છે.
દુનિયાના સૌથી રહસ્યમય હુમલા તરીકે ઓળખાતા 'હવાના સિન્ડ્રોમ'એ ભારતમાં પ્રવેશ કર્યો છે. હવાના સિન્ડ્રોમની બીમારી પડછાયાની જેમ અમેરિકા અને તેના અધિકારીઓનો પીછો કરી રહી છે, પરંતુ તેની સામે જગત જમાદાર અમેરિકા લાચાર દેખાય છે. અમેરિકાની જાસૂસી સંસ્થા સીઆઈએના ડિરેક્ટર વિલિયમ્સ બર્ન્સ અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજ અંગે ભારત સાથે ચર્ચા કરવા આવ્યા હતા, પરંતુ તેમણે અહીં બીજા એક મહાસંકટનો સામનો કરવો પડયો હતો.
વિલિયમ્સ બર્ન્સ સાથે ભારત આવેલા અન્ય એક અધિકારી પર હવાના સિન્ડ્રોમનો હુમલો થયો હોવાના અમેરિકન અખબારોમાં અહેવાલોએ હોબાળો મચાવ્યો છે. આ અધિકારીની ઓળખ જાહેર કરાઈ નથી. જોકે, તેમને ભારતથી પાછા ફર્યા પછી તાત્કાલિક મેડિકલ સારવાર લેવાની જરૂર પડી હતી. તેમ સીઆઈએને અજાણ્યા સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું. એક સરકારી સૂત્ર દ્વારા જાણવા મળ્યું કે, આ ઘટનાથી અમેરિકન સરકાર અને વિલિયમ બર્ન્સ લાલઘૂમ થઈ ગયા હતા. અન્ય બે સૂત્રોએ જણાવ્યું હતું કે સીઆઈએનું માનવું છે કે હવાના સિન્ડ્રોમના હુમલાથી બર્ન્સને સીધો સંદેશ અપાયો છે કે અમેરિકાની ટોચની જાસૂસી સંસ્થા સાથે પ્રત્યક્ષ રીતે કામ કરનારા લોકો સહિત કોઈપણ સલામત નથી.
સીઆઈએના પ્રવક્તાએ ભારતમાં તેના અધિકારી પર હવાના સિન્ડ્રોમના હુમલાની પુષ્ટી નથી કરી, પરંતુ તેમણે જણાવ્યું હતું કે અમેરિકા અને તેની સંસ્થા 'હવાના સિન્ડ્રોમ'ના પ્રત્યેક કેસને ગંભીરતાથી લઈ રહી છે. હવાના સિન્ડ્રોમથી પીડિત લોકોમાં માથાનો દુઃખાવો, ઉલ્ટી, યાદશક્તિ ઘટવી અને ચક્કર આવવા જેવા લક્ષણો જોવા મળે છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૬માં ક્યુબાની રાજધાની હવાનામાં આ લક્ષણોવાળી બીમારીની સૌથી પહેલા જાણ થઈ હોવાથી તેને 'હવાના સિન્ડ્રોમ' નામ અપાયું છે. હવાનામાં અમેરિકન દૂતાવાસના અનેક અધિકારીઓ તેનો ભોગ બન્યા હતા.
હવાના સિન્ડ્રોમથી અમેરિકા અને કેનેડાના રાજદૂતો, જાસૂસો અને દૂતાવાસના કર્મચારીઓ આખી દુનિયામાં પરેશાન છે. ક્યુબા પછી ઓસ્ટ્રેલિયા, ઓસ્ટ્રિયા, કોલંબિયા, રશિયા અને ઉઝબેકિસ્તાનમાં અમેરિકાના ૨૦૦થી વધુ લોકો આ બીમારીની ઝપટમાં આવી ગયા છે. જોકે, લક્ષણોના આધારે સંશોધન કરી રહેલા વૈજ્ઞાનિકોને હજુ સુધી આ બીમારીના કારણો જાણવા મળ્યા નથી.
વર્ષ ૨૦૧૬માં ક્યુબામાં અમેરિકન દુતાવાસના અધિકારીઓ અને સીઆઈએના જાસૂસોએ ઉલ્ટી, નાકમાંથી લોહી નીકળવું, કાનમાં દુઃખાવા અને થાક લાગવાની ફરિયાદો કરી હતી. તેમના મગજની તપાસ કરાતા જણાયું કે તેમના મગજના ટિશ્યુને બોમ્બ વિસ્ફોટ અથવા કાર અકસ્માત વખતે થાય તે પ્રકારનું નુકસાન થયું હતું. આ ઘટના પછી અમેરિકાએ તેના અડધાથી વધુ કર્મચારીઓને તાત્કાલિક ત્યાંથી પાછા બોલાવી લીધા હતા.
ફેંગશુઈ શું છે અને તેનાથી થતા ફાયદાઓ વિશે પણ જાણો
અમેરિકન અધિકારીઓ પર લેસર વેપનથી હુમલો કરાયો હતો. અમેરિકન અધિકારીઓએ ચીન અને રશિયામાં પણ આ પ્રકારની ઘટનાઓની ફરિયાદો કરી હતી. અમેરિકન અધિકારીઓનું માનવું છે કે આ રહસ્યમય હુમલા પાછળ રશિયાનો હાથ છે, પરંતુ હજુ સુધી તેના કોઈ નક્કર પુરાવા હાથ લાગ્યા નથી.