ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૧ જૂન ૨૦૨૧
શુક્રવાર
ઘણા લોકોને વાંદાના નામથી ચીતરી ચઢતી હોય છે અને એવામાં જો આ જંતુ સામે આવી જાય તો તૌબા-તૌબા. એમ છતાં ગમે એ પ્રાણીને મારીને ખાવામાં જેને મહારથ હાંસલ છે એવા ચીનમાં તો વાંદાને પણ હૉટેલના મેનુમાં અગત્યનું સ્થાન છે. ચીન સહિતના ઘણા એશિયન દેશોમાં વાંદાને તળીને ખાવામાં આવે છે અને તમને જાણીને આશ્ચર્ય થશે કે હવે એની ડિમાન્ડમાં પણ વધારો થયો છે.
ચીનમાં વાંદા ઉછેરવાનો ઉદ્યોગ પણ મોટાપાયે કરવામાં આવે છે. આ દેશમાં ઘણા માટે વાંદા કમાણીનો સ્રોત બની ગયા છે. ચીનમાં તો લોકો એનું શરબત પણ પીએ છે. ચીનના એક મીડિયા રિપૉર્ટ અનુસાર ચીનના એક શહેરમાં એક દવા કંપની દર વર્ષે ૬૦૦ કરોડ વાંદાને બિલ્ડિંગમાં ઉછેરે છે. આ બિલ્ડિંગ બે મેદાન જેટલી વિશાળ જગ્યામાં છે. અહીં હંમેશાં અંધારું રાખવામાં આવે છે. વાતાવરણમાં ગરમી અને ભેજ જાળવવામાં આવે છે.
કંપની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી વાંદાના ઉછેર પર નજર રાખે છે. એના થકી બિલ્ડિંગની અંદરના તાપમાન, વાંદાઓના ભોજન અને ભેજ પર નિયંત્રણ રખાય છે. વાંદા પુખ્ત થાય છે એ પછી એને કચડીને એનું શરબત બનાવાય છે. ચીનના લોકો આને દવા માને છે. શરબતનો ઉપયોગ ઝાડા-ઊલટી, પેટની બીમારીઓ અને શ્વાસની બીમારીઓ જેવી તકલીફમાં કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે ચીનની એક કૃષિ યુનિવર્સિટીના પ્રોફેસર લિયુ યૂશેંગે એક મીડિયા હાઉસને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે “વાંદાઓ પોતે જ એક દવા છે. એનાથી ઘણી બીમારીઓ સાજી થઈ થાય છે. વાંદાની દવા સસ્તી અને સરળતાથી ઉપલબ્ધ થઈ શકે એમ છે.