ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 ઑક્ટોબર, 2021
શુક્રવાર
કોરોના મહામારીએ આખા વિશ્વમાં ઊથલપાથલ કરી મૂકી છે. અર્થવ્યવસ્થા, આરોગ્યવ્યવસ્થા બધું જ ફેરવી નાખ્યું. અમેરિકા જેવા સધ્ધર દેશમાં પણ ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ ગઈ. કોરોનાના દર્દીઓનાં મોતનો આંકડો ત્યાં પણ બહુ મોટો છે. હવે આ દેશમાં એક એવી ઇમારત બનશે એમાં કોઈ બૅક્ટેરિયા કે વાયરસ પ્રવેશી જ નહિ શકે. આ 55 માળની એવી ઇમારત હશે, જેમાં બધી જ સુવિધાઓ ઉપલબ્ધ હશે. જેથી કોઈને બહાર નીકળવું જ ન પડે.
વૈજ્ઞાનિકો કોરોના સામે લડવા સતત સંશોધન કરી રહ્યા છે. કોરોનાની રસીથી માંડીને વાયરસથી બચવાના ઘણા રસ્તાઓ મળ્યા છે. આ સંદર્ભે ફ્લોરિડામાં પણ આવી ઇમારત બનાવવામાં આવી રહી છે, જ્યાં પ્રવેશ કર્યા પછી, વ્યક્તિ કોઈ પણ બીમારીથી સુરક્ષિત રહી શકશે. અહીં બૅક્ટેરિયા અને વાયરસનો પ્રવેશ લગભગ અશક્ય હશે.
મુંબઈની લોકલમાં આજથી આ વર્ગને પણ મળી પ્રવાસની છૂટ; જાણો વિગત
55 માળના આ લીગસી ટાવરને બનાવવા માટે 500 મિલિયન US ડૉલર એટલે કે 37,72,27,75,000 રૂપિયા ખર્ચ થશે. આ બિલ્ડિંગમાં હૉટેલ અને હૉસ્પિટલ બનાવવામાં આવશે. રોજિંદી જરૂરિયાતો અહીં ઉપલબ્ધ થશે, જેથી લોકોને મુશ્કેલ સમયમાં બહાર ન જવું પડે. સફાઈનું કામ રોબોટ્સને સોંપવામાં આવશે, જે બૅક્ટેરિયા ઉદ્ભવે એ પહેલાં એને ખતમ કરી દેશે. તે ઉપરાંત ટચલેસ ટેક્નોલૉજી અને આધુનિક હવા શુદ્ધીકરણ પ્રણાલી દ્વારા વાયરસનું જોખમ લગભગ દૂર થઈ જશે. લિફ્ટમાં પ્રવેશવા માટે ટચલેસ ટેક્નોલૉજી પણ હશે, જ્યારે હવા શુદ્ધીકરણ હવા શુદ્ધ કરવાનું ચાલુ રાખશે. મળેલી માહિતી મુજબ આ ઇમારત વર્ષ 2024 સુધીમાં તૈયાર થઈ જશે.