ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ,1 નવેમ્બર, 2021
સોમવાર.
ક્રિકેટમાં વેસ્ટ ઇન્ડીઝનું ખૂબ મહત્ત્વ છે અને શરૂઆતથી વેસ્ટ ઇન્ડીઝના ઘણા ફાસ્ટ બોલર અને બૅટ્સમેન ક્રિકેટરોનાં નામ ભારતીય હોવાનું જણાય છે. સુનીલ નારાયણ, રામ નરેશ સરવન, દિનેશ રામદિન, શિવનારાયણ ચંદ્રપોલ એવા કેટલાક ખેલાડીઓ છે જેમનાં નામ ભારતીય નામો અને ભારતીય દેવતાઓ સાથે મળતાં આવે છે. નામોમાં સુનીલ, દિનેશ, રામ, શિવ, નારાયણ, ચંદ્ર અને સૂર્યનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, તેઓ ભારતીય રીતે લગ્ન પણ કરે છે. આજે આપણે તેમના વિશે જાણીશું.
આ વાત એ સમયની છે જ્યારે ભારતમાં અંગ્રેજોનું શાસન હતું. એ સમયે માત્ર ભારત જ નહીં, પરંતુ ઘણા દેશો બ્રિટિશ શાસન હેઠળ હતા. પછી અંગ્રેજો ભારતીયોને એવાં સ્થળોએ લઈ જતા હતા જ્યાં લોકો અને કામદારોની અછત હતી અને તેઓને સારો પગાર મળતો હતો એ જોઈને ઘણા ભારતીયો વહાણમાં કામ કરવા વિદેશ ગયા હતા, પરંતુ ધીમે ધીમે આ કામદારોને તકલીફ થવા લાગી અને તેમને મળતું મહેનતાણું ખૂબ જ ઓછું હતું. આવા કામદારો, જેને ‘ગિરમીટિયા’ અથવા ‘નાવિક’ તરીકે ઓળખવામાં આવે છે, તે ભારતીય મજૂરો હતા, જેમને બ્રિટિશ સામ્રાજ્ય દ્વારા ફિજી, મોરેશિયસ, દક્ષિણ આફ્રિકા અને કેરેબિયનમાં મોકલવામાં આવ્યા હતા. બ્રિટિશ શાસનથી કંટાળીને આ કામદારોએ તેઓ જ્યાં છે ત્યાં સ્થાયી થવાનું નક્કી કર્યું.
વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ ટીમ કેરેબિયનમાં 15 દેશોની સંયુક્ત ક્રિકેટ ટીમ છે. આ દેશોમાં મુખ્યત્વે ભૂતપૂર્વ બ્રિટિશ વસાહતો અને કૉમનવેલ્થ રાષ્ટ્રોનો સમાવેશ થાય છે. આમાંના મોટા ભાગના ક્રિકેટરો ભારતીય અને હિંદુ છે, જેઓ કેરેબિયનમાં સ્થાયી થયા છે. એથી જ ઘણા કેરેબિયન ગીતોમાં પણ રામ અને શિવ જેવા દેવતાઓનો ઉલ્લેખ છે.
ઉલ્લેખનીય છે કે ભારતે વેસ્ટ ઇન્ડીઝની ક્રિકેટ ટીમને ત્યારે મદદ કરી હતી, જ્યારે તેમની પાસે રમવાના પૈસા પણ ન હતા. જ્યારે વેસ્ટ ઇન્ડીઝની ક્રિકેટ ટીમે T-20 વર્લ્ડ કપ જીત્યો ત્યારે પણ તેઓએ કહ્યું હતું કે આપણા જ લોકોની મદદને કારણે આ શક્ય બન્યું છે. વેસ્ટ ઇન્ડીઝની ક્રિકેટ ટીમ IPL મૅચોમાં આટલી લોકપ્રિય થવાનું આ એક કારણ છે. એટલું જ નહીં, વેસ્ટ ઇન્ડીઝના ઘણા ક્રિકેટરો ભારતીય છોકરીઓ સાથે લગ્ન કરતાં જોવા મળે છે.