News Continuous Bureau | Mumbai
Donald Trump Health અમેરિકાના સૌથી વયોવૃદ્ધ રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળી રહેલા ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાસ્થ્ય અંગે સોશિયલ મીડિયા અને મીડિયામાં અનેક અટકળો લગાવવામાં આવી રહી હતી. ‘ધ વોલ સ્ટ્રીટ જર્નલ’ ને આપેલા ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે આ તમામ ચર્ચાઓ પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે તેમના હાથ પરના નિશાન કોઈ ગંભીર સમસ્યા નથી, પરંતુ તેઓ રોજ લોહી પાતળું કરવા માટે જે એસ્પિરિન દવા લે છે તેની આ સામાન્ય અસર છે.
એસ્પિરિન અને બ્લુ માર્ક્સનું કનેક્શન
ટ્રમ્પે સમજાવ્યું કે ડોકટરો હૃદયના સ્વાસ્થ્ય માટે લોહી પાતળું રાખવાની સલાહ આપે છે. તેમણે કહ્યું, “હું નથી ઈચ્છતો કે ઘટ્ટ લોહી મારા હૃદયમાંથી વહે, તેથી હું એસ્પિરિન લઉં છું. તેના કારણે ક્યારેક હાથ પર વાદળી નિશાન (Bruises) પડી જાય છે. જ્યારે આવું થાય ત્યારે હું તેના પર મેકઅપ અથવા પટ્ટી લગાવી દઉં છું.” તેમણે એમ પણ ઉમેર્યું કે એકવાર હાઈ-ફાઈવ આપતી વખતે અટોર્ની જનરલની વીંટી વાગવાથી પણ આવું નિશાન પડ્યું હતું.
‘હું ઊંઘતો નથી, માત્ર આંખો બંધ કરું છું’
જાહેર કાર્યક્રમો કે ઓવલ ઓફિસની બેઠકો દરમિયાન ટ્રમ્પ ઊંઘી ગયા હોવાના વીડિયો વાયરલ થયા હતા. આ બાબતે તેમણે કહ્યું કે, “હું ક્યારેય વધારે ઊંઘનાર વ્યક્તિ રહ્યો નથી. ક્યારેક હું આરામ કરવા માટે થોડી ક્ષણો માટે આંખો બંધ કરું છું, જે મારા માટે ખૂબ જ રિલેક્સિંગ હોય છે. મીડિયા તે સમયે ફોટો પાડીને મને ઊંઘતો બતાવે છે.”
આ સમાચાર પણ વાંચો : Bengaluru: બેંગલુરુમાં ગેરકાયદે માઇનિંગથી દીપડાઓના મોતનો મામલો ગરમાયો: મુખ્યમંત્રીએ આપ્યા ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ
સીટી સ્કેન અને સ્વાસ્થ્યના દાવા
ઓક્ટોબરમાં એમઆરઆઈ (MRI) કરાવવા અંગેના પ્રશ્ન પર ટ્રમ્પે સ્પષ્ટતા કરી કે તેમણે માત્ર સીટી સ્કેન (CT Scan) કરાવ્યું હતું, જે એક સામાન્ય પ્રક્રિયા છે. તેમણે પોતાને સાંભળવામાં તકલીફ હોવાના અહેવાલોને પણ નકારી કાઢ્યા હતા. નોંધનીય છે કે ટ્રમ્પ ભૂતકાળમાં જો બાઈડન પર ‘સ્લીપી જો’ કહીને કટાક્ષ કરતા હતા, હવે તેવા જ સવાલો તેમની સામે ઉઠી રહ્યા છે.