News Continuous Bureau | Mumbai
Donald Trump અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) વેનેઝુએલાના તેલના વિશાળ ખજાના પર કબજો જમાવવા અને તેને ફરીથી શરૂ કરવા માટે આક્રમક રીતે આગળ વધી રહ્યા છે. આ માટે તેમણે અમેરિકાની 17 મોટી તેલ કંપનીઓના CEO સાથે વ્હાઇટ હાઉસમાં બેઠક યોજી હતી. જોકે, આ બેઠક દરમિયાન એક્સોન મોબિલના CEO ડેરેન વૂડ્સે (Darren Woods) કરેલી ટિપ્પણીથી ટ્રમ્પ ગુસ્સે ભરાયા છે.
એક્સોન મોબિલના CEO એ શું કહ્યું?
બેઠક દરમિયાન ડેરેન વૂડ્સે વેનેઝુએલામાં રોકાણ કરવા સામે જૂના કડવા અનુભવો ટાંક્યા હતા. તેમણે કહ્યું કે, “વેનેઝુએલામાં અમારી મિલકતો અગાઉ બે વાર જપ્ત કરવામાં આવી છે. ત્યાંની વર્તમાન કાયદાકીય અને વ્યવસાયિક માળખાને જોતા ત્યાં રોકાણ કરવું શક્ય નથી.” વૂડ્સે સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી વેનેઝુએલાના હાઇડ્રોકાર્બન એક્ટમાં મોટા સુધારા ન થાય ત્યાં સુધી આ દેશ રોકાણ કરવા લાયક નથી.
ટ્રમ્પની આકરી પ્રતિક્રિયા અને ચેતવણી
ટ્રમ્પને આ સલાહ અને ટીકા પસંદ ન આવી. બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું, “મને એક્સોનનો પ્રતિસાદ ગમ્યો નથી. તેઓ બહુ હોશિયારી બતાવી રહ્યા છે. કદાચ હું એક્સોનને વેનેઝુએલાના પ્લાનમાંથી બહાર રાખવાનો નિર્ણય કરીશ.” ટ્રમ્પે વધુમાં ઉમેર્યું કે વેનેઝુએલામાં કઈ કંપની કામ કરશે અને કોને પરમિશન મળશે તે માત્ર તેમનું પ્રશાસન જ નક્કી કરશે.
આ સમાચાર પણ વાંચો : Vande Bharat Sleeper Fare: એરપોર્ટ જેવી સુવિધા અને કડક નિયમો: વંદે ભારત સ્લીપરમાં નો-વેઈટિંગ પોલિસી, જાણો કેટલું ખર્ચવું પડશે ભાડું
શું છે વેનેઝુએલાના તેલનું ગણિત?
વેનેઝુએલા પાસે દુનિયાનો સૌથી મોટો તેલનો ભંડાર (303 અબજ બેરલ) છે. વર્ષ 2004 અને 2007 વચ્ચે તત્કાલીન વેનેઝુએલા સરકારે ઉદ્યોગનું રાષ્ટ્રીયકરણ કર્યું ત્યારે એક્સોન અને કોનોકોફિલિપ્સ જેવી કંપનીઓને મોટું નુકસાન થયું હતું. કોર્ટના આદેશ મુજબ વેનેઝુએલા પર આ કંપનીઓનું 13 અબજ ડોલરથી વધુનું દેવું છે. જોકે, ટ્રમ્પે કહ્યું કે તેઓ જૂના નુકસાનની ભરપાઈ પર ધ્યાન નહીં આપે અને નવા છેડેથી શરૂઆત કરશે.