ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 નવેમ્બર 2021
શનિવાર.
ઘઉં બજારમાં આગામી દિવસમાં હજી તેજી જોવા મળે એવી શકયતા છે. વિશ્વમાં ડીમાન્ડ વધી રહી છે, તેની સામે ઘઉંનુ સૌથી વધુ ઉત્પાદન કરનારા દેશોમાંથી થતી નિકાસને જુદા જુદા કારણસર ફટકો પડયો હોવાનું કહેવાય છે. ઓસ્ટ્રેલિયા, અમેરિકાનું સૂકું હવામાન તો દક્ષિણ-પૂર્વ કેનેડામાં જહાજોને લગતી સમસ્યા છે. તો વિશ્વમાં સૌથી વધુ ઘઉ નિકાસ કરનારા રશિયામાં ચાલી રહેલા કરવેરાને લગતા વિવાદને પગલે નિકાસ કરનારા દેશનો પણ અસર થઈ હોવાનું માનવામાં આવે છે. વિશ્વને સૌથી વધુ ઘઉંની નિકાસ કરતા રશિયામાં પાક ઓછો થયો હોવાનું મનાય છે.
રશિયામાં હાલ કોરોનાએ ફરી આંતક મચાવ્યો છે. તેમાં પાછું ઓછુ હોય તેમ ફુગાવાને કારણે મોંઘવારીએ માઝા મૂકી છે. તેથી સ્થાનિક ફુગાવાને કાબુમાં રાખવા રશિયા નિકાસ પર નિયંત્રણો મૂકવા માંગે છે. તેથી વિશ્વમાં ઘઉની સપ્લાયને અસર પહોંચી છે.
અમેરિકન કૃષિ મંત્રાલયે શિયાળુ ઘઉ પાકના રેટિંગ ઘટાડીને એનાલિસ્ટોને આશ્ચર્યમાં મૂક્યા છે. કેસી હાર્ડ રેડ વીંટર ઘઉ વાયદો પણ તેજીમાં છે. સીબીઓટી માર્ચ સોફ્ટ રેડ વિન્ટર વ્હીટ વધીને ૮.૩૮ ડોલર પ્રતિ બુશેલ (૨૫.૨૧૬ કિલો) મુકાવા અગાઉ નવેમ્બર ૨૦૧૨ની ઊંચાઈએ ૮.૮૬ ડોલર બોલાયો હતો. માર્ચ પછીના તમામ દૂર ડિલિવરીના વાયદા નવી ઊંચાઈએ મુકાઇ રહ્યા છે.
પેરિસ વાયદો અગાઉના તમામ વિક્રમો તોડીને નવી ઊંચાઈએ મુકાયો હતો. યુરોનેક્સ્ટ માર્ચ વાયદો ૩૧૧ યુરો (૩૪૮ ડોલર) પ્રતિ ટન વિક્રમ ઊંચાઈએ ગયો હતો. ડિસેમ્બર રોકડ વાયદો વધીને ૩૧૩.૫ યુરો બોલાયો હતો. ડોલર સામે યુરો નબળો પડી રહ્યો છે, તેનો લાભ લેવા નિકાસકારો ઉતાવળા થયા છે.
આ દરમિયાન ઘઉંનું ઉત્પાદન કરનાર અનેક દેશોમાં ઘઉંના પાકને અસર થઈ છે. પાક તૈયાર હતો અને લણવાનો હતો ત્યારે જ ઓસ્ટ્રેલિયામાં વરસાદ પડવાથી પાકની ગુણવત્તાને અસર થવાનો ભય છે. પશ્ચિમ કેનેડામાં પૂરની સ્થિતિ સર્જાતાં નિકાસ કરવા માટે ટ્રાન્સપોર્ટેશનને મોટો ફટકો પડયો છે. ૧ જુલાઇથી શરૂ થયેલી યુક્રેનની ૨૦૨૧-૨૨ની મોસમમાં ૨૨ નવેમ્બર સુધીમાં ઘઉ નિકાસ ૨૧.૭ ટકા વધીને ૧૪૦ લાખ ટન થઈ હોવાનું કહેવાય છે. નિકાસ વધવાની સાથે જ બીજી તરફ ભાવ સતત વધતાં રહ્યા છે. ૨૨ નવેમ્બરે ૩૩૯.૨૫ ડોલર પ્રતિ ટન ઉપજ્યા હતા.