ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૫ મે ૨૦૨૧
મંગળવાર
દેશમાં કોરોના વાયરસની બીજી લહેરને કારણે ગયા વર્ષની જેમ અનેક પરીક્ષાઓ રદ થઈ છે તો અમુક મોકૂફ રાખવામાં આવી છે. શાળા/કૉલેજ ક્યારે ખૂલશે અને પરીક્ષાઓ કઈ રીતે લેવાશે એની ચિંતા સતત વાલીઓ અને વિદ્યાર્થીઓને સતાવી રહી છે. દરેક રાજ્યોની જુદી-જુદી પરિસ્થિતિને કારણે દેશમાં પરીક્ષાઓને મામલે એક મત બની શક્યો નથી. એવામાં બીજા અનેક દેશોએ પણ આ સમસ્યાનો વિવિધરૂપે ઉપાય કર્યો છે.
બ્રિટનમાં ટેસ્ટ, મૉક ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીના પ્રદર્શનનું મૂલ્યાંકન થશે. અમેરિકામાં ૮૮ ટકા વિદ્યાર્થીઓ ઑનલાઇન ભણે છે. આ વર્ષે પરીક્ષાઓ માટે ઑનલાઇન અને ઑફલાઇન એમ બંને વિકલ્પ આપવામાં આવ્યા છે. જ્યારે લોસ એન્જલસમાં પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. ફ્રાન્સમાં ગયા વર્ષે પરીક્ષાઓ રદ કરાઈ હતી. ઍસેસમેન્ટ અને કોર્સ વર્કના આધારે વિદ્યાર્થીઓને ગ્રેડ અપાયા હતા. આ વખતે મુખ્ય વિષયોની જ પરીક્ષાઓ જૂનમાં લેવામાં આવશે. દરમિયાન ઈટલીમાં ૫૦ ટકા ક્ષમતાથી સ્કૂલો શરૂ કરવામાં આવી છે. ફાઇનલ પરીક્ષાઓ જૂનમાં મૌખિક પદ્ધતિથી યોજાશે. જર્મનીમાં શરતો સાથે ઑનલાઇન પરીક્ષાઓ યોજાશે. પરીક્ષા અને માર્ક્સનું ફોર્મેટ યથાવત્ રખાયું છે, તો સ્પેનમાં કોર્સ અને પ્રશ્નો સરળ કરાયા છે, પરંતુ પરીક્ષા મુદ્દે કોઈ નિર્ણય લેવાયો નથી.
ઉલ્લેખનીય છે કે નેધરલૅન્ડ્સમાં સ્કૂલો અને યુનિવર્સિટીમાં સંપૂર્ણ અભ્યાસ ડિસ્ટન્સ લર્નિંગથી ચાલુ છે. પ્રૅક્ટિકલ તાલીમ અને પરીક્ષાને લઈને શરતો સાથે વિકલ્પ અપાયા છે. બીજી તરફ પાડોશી દેશ પાકિસ્તાનમાં ગયા વર્ષે પણ પરીક્ષાઓ રદ કરાઈ હતી. આ વર્ષે મેના બદલે નવેમ્બરમાં પરીક્ષાઓ થશે. દસમા અને બારમા ધોરણની પરીક્ષા જુલાઈમાં થશે. ચીનમાં ગયા જુલાઈમાં ૧.૦૭ કરોડ સ્કૂલના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ વર્ષે પ્રોટોકોલ સાથે લેખિત પરીક્ષા થશે. જોકે જાપાનમાં જાન્યુઆરી મહિનામાં પરીક્ષાઓ લેવાઈ હતી. ગયાવર્ષે ૫.૩૦ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શક્યા નહોતા તેમને બીજી તક અપાશે.