ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 ઑક્ટોબર, 2021
મંગળવાર
ઈન્ડોનેશિયાના માછીમારોએ સુમાત્રા ટાપુ પરથી અમૂલ્ય ખજાનો શોધી કાઢ્યો છે. માછીમારોને મુસી નદીની અંદરથી સેંકડો વર્ષ જૂના રત્નો, સોનાની વીંટી, સિક્કા, શિલ્પો અને બૌદ્ધ સાધુઓની કાંસાની ઘંટડીઓ મળી આવી છે.
મીડિયા હાઉસના અહેવાલ મુજબ, માછીમારો છેલ્લા પાંચ વર્ષથી પાલેમ્બાંગ નજીક મુસી નદીમાં આ ખજાનાની શોધ કરી રહ્યા હતા. ત્યારે ગઈકાલે માછીમારોને નદીના ઊંડાણમાંથી ખજાનો મળ્યો હતો. જેમાં રત્નો, વીંટી, સિક્કા અને અન્ય ઘણી વસ્તુઓનો સમાવેશ થાય છે. તેમાં 8મી સદીના આભૂષણોથી શણગારેલી ભગવાન બુદ્ધની જીવન-કદની પ્રતિમા પણ છે, જેની કિંમત લાખો પાઉન્ડ છે.
એક અહેવાલ મુજબ, આ કલાકૃતિઓ, રત્નો, શિલ્પો વગેરે શ્રીવિજય સંસ્કૃતિના સમયની છે. શ્રીવિજય રાજવંશ એ 7મી અને 13મી સદીની વચ્ચે એક શક્તિશાળી સામ્રાજ્ય હતું, જે એક સદી પછી રહસ્યમય રીતે ગાયબ થઈ ગયું. પાલેમ્બાંગને આ રાજવંશનો સુવર્ણ ટાપુ કહેવામાં આવતો હતો. હાલમાં, લગભગ 700 વર્ષ પછી, માછીમારોએ આ મૂલ્યવાન ખજાનો શોધી કાઢ્યો છે.
બ્રિટિશ દરિયાઈ સંશોધક ડૉ. સીન કિંગ્સલેના જણાવ્યા અનુસાર, સંશોધકોએ શ્રીવિજય રાજવંશના ખજાના માટે થાઈલેન્ડ અને ભારત સુધી શોધ કરી હતી, પરંતુ સફળતા મળી ન હતી. ડૉ. સીન કિંગ્સલેના જણાવ્યા અનુસાર, સુમાત્રાના ગુમ થયેલા ગોલ્ડન આઈલેન્ડની આ શોધ છે.
ઇતિહાસકારોના મતે, સુમાત્રાના શ્રીવિજય રાજવંશે 13મી સદી સુધી દક્ષિણપૂર્વ એશિયાના ટાપુઓ પર શાસન કર્યું હતું. દરિયાઈ શક્તિ હોવાને કારણે, તેનો ફેલાવો ભારતના પૂર્વી કિનારા અને દક્ષિણ ચીન મહાસાગરમાં હતો. ભૂતકાળમાં અહીં મળી આવેલા ભારતીય અને ચાઈનીઝ સિક્કાઓ તેનો પુરાવો છે.