ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૮ મે ૨૦૨૧
મંગળવાર
નેપાળમાં થોડાક સમય પહેલાં જ રાજકીય ઊથલપાથલ બાદ ફરી એકવાર કેપી શર્મા ઓલી વડા પ્રધાનપદ પર પાછા ફર્યા છે. હવે ત્યાં એક નવો વિવાદ જાગ્યો છે. નેપાળની સુપ્રીમ કોર્ટમાં સોમવારે ચાર રીટ અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં વડા પ્રધાન કેપી શર્મા ઓલીને ફરીથી શપથ લેવાની વિનંતી કરવામાં આવી છે. પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે ઓલીએ શપથગ્રહણ સમારોહ દરમિયાન બોલાવાયેલા તમામ શબ્દોનું પુનરાવર્તન નહીં કરીને રાષ્ટ્રપતિના કાર્યાલયનું અપમાન કર્યું છે.
શુક્રવારે રાષ્ટ્રપતિ ભવન શીતલ નિવાસ ખાતે યોજાયેલા એક સમારોહમાં ઓલીને રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારી દ્વારા વડા પ્રધાન તરીકે પદ અને ગુપ્તતાના શપથ અપાયા હતા. શપથગ્રહણ સમારોહ દરમિયાન ઓલીએ ‘શપથ’ અને ‘ભગવાનના નામે’ જેવા શબ્દો છોડી દીધા હતા. રાષ્ટ્રપતિ ભંડારીએ 'ભગવાન, દેશ અને લોકો' નો ઉલ્લેખ કર્યો ત્યારે ત્રીજી વખત નેપાળના વડા પ્રધાન બનનારા ઓલીએ કહ્યું “હું દેશ અને લોકોના નામે શપથ લઈશ.”
ઉલ્લેખનીય છે કે સ્થાનિક અખબારના અહેવાલ મુજબ ચારેય રીટ અરજદારો દ્વારા વિનંતી કરવામાં આવી છે કે શુક્રવારે લેવાયેલા શપથ ગેરકાયદે હોવાથી ઓલી ફરી એકવાર પદ અને ગુપ્તતાના શપથ લે.