News Continuous Bureau | Mumbai
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ માં હોર્મુઝની સામુદ્રધુની અત્યારે દુનિયાનું સૌથી ગરમ કેન્દ્ર બની ગઈ છે. વિશ્વના ૨૦% તેલના વેપાર માટે અનિવાર્ય એવા આ માર્ગની સુરક્ષા માટે ડોનાલ્ડ ટ્રમ્પે સાથી દેશોને યુદ્ધ જહાજો મોકલવા હાકલ કરી હતી. જોકે, ટ્રમ્પની આ આશા પર પાણી ફરી વળ્યું હોય તેમ જણાય છે. જાપાન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોએ સ્પષ્ટપણે ના કહી દીધી છે, જ્યારે દક્ષિણ કોરિયા અને ફ્રાન્સ જેવા દેશો હજુ પણ અસમંજસમાં છે.ટ્રમ્પે એર ફોર્સ વનમાં પત્રકારો સાથે વાત કરતા કડક શબ્દોમાં કહ્યું હતું કે, “મદદ કરે તો સારું અને ન કરે તો ઘણું સારું. એ જોવું રસપ્રદ રહેશે કે કયા દેશો આ નાનકડા પ્રયાસમાં અમને સાથ આપતા નથી.”
‘પોતાના ક્ષેત્રની રક્ષા જાતે કરો’ – ટ્રમ્પની આક્રમક માંગ
ડોનાલ્ડ ટ્રમ્પે તેલ પર નિર્ભર દેશો પર નિશાન સાધતા કહ્યું કે ચીન, ફ્રાન્સ, જાપાન, દક્ષિણ કોરિયા અને બ્રિટન જેવા દેશોએ હોર્મુઝની જવાબદારી લેવી જ જોઈએ. તેમણે કહ્યું, “આ તેમનો વિસ્તાર છે અને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે, તેથી તેમણે પોતે આગળ આવવું જોઈએ.” ટ્રમ્પના મતે, અમેરિકાએ ઈરાનની ઉત્પાદન ક્ષમતાને ૮૦% સુધી નષ્ટ કરી દીધી છે, તેથી આ માત્ર સુરક્ષા અને દેખરેખનું કામ છે જે આ દેશોએ સંભાળવું જોઈએ.
આ સમાચાર પણ વાંચો : Pune LPG Crisis: ગેસ સિલિન્ડરની અછત વચ્ચે મહારાષ્ટ્ર સરકારનો મહત્વનો આદેશ; ગેસ એજન્સીઓને સુરક્ષા અને બ્લેક માર્કેટિંગ સામે કડક કાર્યવાહીના સંકેત.
સાથી દેશોએ કેમ ફેરવી તોળ્યું?
અમેરિકાની અપીલ છતાં મોટા દેશો યુદ્ધના મેદાનમાં કૂદવા તૈયાર નથી:
જાપાન: જાપાની વડાપ્રધાને કહ્યું કે તેમને અત્યાર સુધી અમેરિકા તરફથી આવી કોઈ સત્તાવાર વિનંતી મળી નથી અને તેઓ હાલમાં નેવી મોકલવા પર વિચાર કરી રહ્યા નથી.
ઓસ્ટ્રેલિયા: એએફપીના અહેવાલ મુજબ, ઓસ્ટ્રેલિયાએ ટ્રમ્પની વિનંતીને ફગાવી દેતા હોર્મુઝમાં જહાજો મોકલવાની ના પાડી દીધી છે.
ફ્રાન્સ અને જર્મની: ફ્રાન્સના રક્ષા મંત્રીએ સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી યુદ્ધ ચાલુ છે ત્યાં સુધી તેઓ જહાજ નહીં મોકલે. જર્મનીએ પણ યુરોપિયન યુનિયનના મિશનની અસરકારકતા પર શંકા વ્યક્ત કરી છે.
તુર્કી: નાટો (NATO) ના સભ્ય હોવા છતાં તુર્કીએ આ યુદ્ધથી પહેલેથી જ પલ્લું ઝાડી લીધું છે.
હોર્મુઝ કેમ છે આટલું મહત્વનું?
હોર્મુઝની સામુદ્રધુની દુનિયાનું સૌથી મોટું ‘ચોક પોઈન્ટ’ છે. અહીંથી દરરોજ લગભગ ૨ કરોડ બેરલ તેલ પસાર થાય છે, જે વિશ્વના કુલ તેલ વપરાશનો ૨૦ ટકા હિસ્સો છે. આ સિવાય ૨૦ ટકા લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) પણ આ માર્ગે મોકલવામાં આવે છે. જો આ રસ્તો લાંબો સમય બંધ રહે, તો ભારત અને ચીન જેવી તેલ આયાત પર નિર્ભર અર્થવ્યવસ્થાઓ ગંભીર સંકટમાં મુકાઈ શકે છે.