ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,28 જાન્યુઆરી 2022
શુક્રવાર.
દેશભરમાં કોરોનાના કેસમાં વધારો નોંધાઇ રહ્યો છે જેને લઇને લોકોને વેક્સિન લેવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે. પરંતું ધણા લોકો એવા છે કે જે હજી પણ વેક્સિન લઇ રહ્યા નથી. આ જ ક્રમમાં અમેરિકામાં કોરોનાના નવી લહેર વચ્ચે ભારે કડકાઈ દેખાડવામાં આવી રહી છે. રસીકરણમાં કોઈપણ પ્રકારની ઢીલ સહન કરવામાં આવતી નથી. અહેવાલ છે કે બોસ્ટન શહેરની એક હોસ્પિટલે એક દર્દીને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવાનો ઇનકાર કર્યો છે કારણ કે તેણે એન્ટિ-કોરોના રસી લેવાનો ઇનકાર કર્યો હતો.
અમેરિકામાં ગંભીર દર્દીઓના રસીકરણને લઈને ચર્ચા ચાલી રહી છે. પ્રશ્ન એ ઊભો થાય છે કે શું દર્દીનો જીવ બચાવવા કરતાં રસી મેળવવી વધુ મહત્ત્વની છે? હોસ્પિટલે પોતાના નિર્ણયનો બચાવ કર્યો છે, જ્યારે દર્દીના પરિવારજનોએ તેના પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. તે કહે છે કે જ્યારે કોઈનો જીવ જોખમમાં હોય ત્યારે તેને પહેલા બચાવી લેવો જાેઈએ, અને રસી માટે દબાણ ન કરવું જોઈએ. દર્દી ડીજે ફર્ગ્યુસનના સંબંધીઓએ જણાવ્યું હતું કે બ્રિઘમ એન્ડ વિમેન્સ હોસ્પિટલે તેના ૩૧ વર્ષીય પિતા પર હાર્ટ સર્જરી કરવાનો ઇનકાર કર્યો હતો કારણ કે તેમને કોવિડ વિરોધી રસી લીધી ન હતી. આ સાથે દર્દીના પરિવારે લોકોને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે આર્થિક મદદની અપીલ પણ કરી છે.
પરિવારનું કહેવું છે કે અમારા માટે આ મુશ્કેલ સમય છે. આ માત્ર રાજકીય મુદ્દો નથી, પરંતુ લોકોને પસંદગી આપવી જોઈએ. દર્દી ફર્ગ્યુસનની માતા, ટેસી ફર્ગ્યુસન ભારપૂર્વક કહે છે કે તેમનો પુત્ર રસીકરણની વિરુદ્ધ નથી. ભૂતકાળમાં તેની પાસે અન્ય રસી પણ લીધી છે. બીજી તરફ હોસ્પિટલની એક પ્રશિક્ષિત નર્સનું કહેવું છે કે દર્દી એટ્રીયલ ફાઈબ્રિલેશનથી પીડિત છે. આમાં, દર્દીના હૃદયના ધબકારા અનિયમિત અને ઘણી વખત ઝડપી થઈ જાય છે. નર્સે કહ્યું કે તે એન્ટી-કોરોના રસીની આડઅસરોથી પણ વાકેફ છે. દરમિયાન ટ્રેસી ફર્ગ્યુસન કહે છે કે હોસ્પિટલના તબીબે પહેલા ખાતરી કરી લેવી જોઈએ કે રસી આપ્યા બાદ મારા પુત્રની તબિયત વધુ બગડે નહીં? હોસ્પિટલે ચર્ચામાં જોડાવાનો ઇનકાર કર્યો છે, પરંતુ તેણે તેની વેબસાઇટ પર પોસ્ટ કર્યું છે કે કોઈપણ જટિલ સર્જરી માટે કોવિડ-૧૯ રસી જરૂરી છે. તે યુ.એસ.માં કોઈપણ અંગ પ્રત્યારોપણ માટે જરૂરી રસીકરણોમાંનું એક છે. આમાં ફલૂ અને હીપેટાઈટીસ બીની રસીઓનો સમાવેશ થાય છે. આનાથી દર્દીના બચવાની શક્યતા વધી જાય છે.