ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયબ એર્દોઆને ફરી એકવખત કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે. યુએન જનરલ એસેમ્બલીમાં બોલતા, તેમણે કહ્યું કે અમે પક્ષો વચ્ચે વાતચીત દ્વારા અને પ્રાસંગિક યુએન ઠરાવોના માળખામાં રહીને 74 વર્ષથી કાશ્મીરમાં સમસ્યાનો ઉકેલ લાવવાની તરફેણમાં છીએ. જોકે, આ વખતે કાશ્મીરનો ઉલ્લેખ કરીને તેમણે બંને દેશો વચ્ચે વાતચીત દ્વારા ઉકેલ શોધવાની વાત કરી છે. પરંતુ બે વર્ષ પહેલા તેમણે કાશ્મીરને જ્વલંત મુદ્દો ગણાવ્યો હતો.
રાષ્ટ્રપતિ એર્દોઆનના નિવેદનના જવાબમાં વિદેશમંત્રીએ સાયપ્રસના સંબંધમાં ટ્વિટ કર્યું છે. સાયપ્રસના વિદેશમંત્રી નિકોસ ક્રિસ્ટોડોલાઇડ્સને મળ્યા પછી જયશંકરે ટ્વિટ કર્યું કે દરેક વ્યક્તિએ સાયપ્રસ સંબંધિત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવોનું પાલન કરવું જોઈએ. તમને જણાવી દઈએ કે તુર્કીએ ઘણા દાયકાઓથી સાયપ્રસના મોટાભાગો પર ગેરકાયદેસર કબજો કર્યો છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પણ આ મુદ્દે ઠરાવ પસાર કર્યો છે, પરંતુ તુર્કી તેને સ્વીકારતું નથી.
તુર્કીના રાષ્ટ્રપતિએ કાશ્મીરનો ઉલ્લેખ કેમ કર્યો?
વાસ્તવમાં, 5 ઓગસ્ટ 2019ના રોજ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ પાકિસ્તાને મુસ્લિમ દેશોને આ મુદ્દે હસ્તક્ષેપ કરવા કહ્યું હતું. ત્યારબાદ મલેશિયા અને તુર્કીએ વધુ સહકાર આપ્યો અને બંનેએ ભારતના આ પગલાની ટીકા કરી.
ઉલ્લેખનીય છે કે 2019માં તુર્કીના રાષ્ટ્રપતિએ સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીરની સ્થિતિને "જ્વલંત મુદ્દો" ગણાવી હતી. અને કાશ્મીર માટે વિશેષ દરજ્જો નાબૂદ કરવાની ટીકા પણ કરી હતી. તેમણે 2019 માં કહ્યુ હતુ કે સ્વીકૃત પ્રસ્તાવો હોવા છતાં કાશ્મીર હજુપણ ઘેરાયેલું છે. અને 8 મિલિયન લોકો કાશ્મીરમાં ફસાયેલા છે. તે સમયે પીએમ મોદીએ તુર્કીની નિર્ધારિત મુલાકાત રદ કરી હતી.
જયશંકર દ્વારા સાયપ્રસને લઈને કરવામાં આવ્યું ટ્વિટ
એસ. જયશંકરે સાયપ્રસના તેમના સમકક્ષ એવા નિકોસ ક્રિસ્ટોડોલાઇડ્સ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. આ દરમિયાન તેમણે સાયપ્રસ સંબંધિત યુએન સુરક્ષા પરિષદના ઠરાવોનું પાલન કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. ક્રિસ્ટોડોલાઇડ્સ સાથેની તેમની મુલાકાત અંગે જયશંકરે બુધવારે ટ્વિટ કર્યું હતું કે અમે આર્થિક સંબંધોને આગળ વધારવા પર કામ કરી રહ્યા છીએ. દરેક વ્યક્તિએ સાયપ્રસ સંબંધિત યુએન સુરક્ષા પરિષદના ઠરાવોનું પાલન કરવું જોઈએ.
ભારતનું શું કહેવું છે?
ભારતનું કહેવું છે કે કાશ્મીર તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અને તત્કાલીન પાકિસ્તાની પીએમ ઝુલ્ફીકાર અલી ભુટ્ટો વચ્ચે 1972 ના શિમલા કરાર હેઠળ દ્વિપક્ષીય મામલો છે. અને તેનું આંતરરાષ્ટ્રીયકરણ ન થવું જોઈએ.
મંગળવારે પોતાના ભાષણમાં એર્દોઆને ચીનમાં ઉઇગર મુસ્લિમ લઘુમતી સામેની સમસ્યાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, 'ચીનની પ્રાદેશિક અખંડતતાના સંદર્ભમાં, અમે માનીએ છીએ કે મુસ્લિમ ઉઇગર તુર્કના મૂળભૂત અધિકારો અંગે વધુ પ્રયત્નો દર્શાવવાની જરૂર છે. ઉઇગર મુસ્લિમોને શિબિરોમાં રાખવામાં આવી રહ્યા છે અને તેમના ધર્મ અને તેમની સંસ્કૃતિ અને ભાષાને અનુસરવા પર પ્રતિબંધનો સામનો કરવો પડી રહ્યો છે, જે ચીનની બહુમતીથી પ્રભાવિત છે.'
