ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
પાકિસ્તાનમાં પરિવર્તનનો દાવો કરીને સત્તા પર આવનારા ઇમરાન ખાનના નેતૃત્વમાં પાકિસ્તાન અસુરક્ષિત છે. વારંવાર બૉમ્બધડાકાની ખબરો આવતી રહે છે. આ વખતે પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદ અલી ઝીણાની મૂર્તિને નિશાન બનાવાઈ છે. રવિવારે બલુચિસ્તાન પ્રાંતના ગ્વાદર શહેરમાં ઝીણાની મૂર્તિને બૉમ્બથી ઉડાવી દેવાઈ હતી. બલુચ રિપબ્લિકન આર્મીએ આ ઘટનાને અંજામ આપ્યો છે.
પાકિસ્તાની મીડિયા ‘ડૉન’ના અહેવાલ મુજબ ગ્વાદરમાં ઝીણાની મૂર્તિ જૂન મહિનામાં મરીન ડ્રાઇવ ઉપર બેસાડવામાં આવી હતી. આ સંપૂર્ણ વિસ્તારને સુરક્ષિત માનવામાં આવે છે. છતાં ઉગ્રવાદીઓએ ઝીણાની મૂર્તિને બૉમ્બધડાકો કરી નષ્ટ કરવામાં સફળ થયા. પાકિસ્તાનમાં પ્રતિબંધિત આ રિપબ્લિકન આર્મીના પ્રવક્તા બાગબર બલુચે બૉમ્બધડાકાની જવાબદારી ટ્વિટર પર પોસ્ટ કરીને લીધી હતી.
BBC ઉર્દૂએ ગ્વાદરના સેવાનિવૃત્ત ડેપ્યુટી કમિશનર મેજર અબ્દુલ કબીર ખાન તરફથી કહ્યું હતું કે, આ કેસમાં ઉચ્ચ સ્તરીય તપાસ થઈ રહી છે. મૂર્તિને ઉડાડવા માટે ઉગ્રવાદીઓ પર્યટકોના વેશમાં અહીં આવ્યા હતા. જોકે હજી સુધી કોઈની ધરપકડ થઈ નથી.
આ પહેલાં વર્ષ ૨૦૧૩માં ઝીણા જે ઇમારતમાં રહેતા હતા, તે ૧૨૧ વર્ષ જૂની ઇમારતને પણ વિસ્ફોટ દ્વારા ઉડાવી દેવાઈ હતી.