News Continuous Bureau | Mumbai
India New Zealand વૈશ્વિક વ્યાપાર ક્ષેત્રે ભારતને વધુ એક મોટી રાજદ્વારી સફળતા મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ન્યુઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન વચ્ચે ટેલિફોનિક વાતચીત દરમિયાન ભારત-ન્યુઝીલેન્ડ મુક્ત વ્યાપાર સમજૂતીની સંયુક્ત જાહેરાત કરવામાં આવી છે. આ સમજૂતીથી બંને દેશોના આર્થિક સંબંધો એક નવી ઊંચાઈ પર પહોંચશે અને પરસ્પર રોકાણના નવા દ્વાર ખુલશે.ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આ મહત્વપૂર્ણ સમજૂતી માટેની વાતચીત માર્ચ 2025માં શરૂ થઈ હતી, જ્યારે પીએમ લક્સન ભારતની મુલાકાતે આવ્યા હતા. માત્ર 9 મહિનાના ટૂંકા ગાળામાં આ સમજૂતી પૂર્ણ થવી એ બંને દેશોની મજબૂત રાજકીય ઈચ્છાશક્તિ દર્શાવે છે. ખાસ કરીને જ્યારે વૈશ્વિક સ્તરે સંરક્ષણવાદી નીતિઓ વધી રહી છે, ત્યારે ભારત માટે આ એક મજબૂત વૈકલ્પિક ભાગીદારી સાબિત થશે.
પાંચ વર્ષમાં વ્યાપાર બમણો કરવાનું લક્ષ્ય
બંને નેતાઓ વચ્ચે થયેલી ચર્ચા મુજબ, FTA લાગુ થયા બાદ આગામી પાંચ વર્ષમાં દ્વિપક્ષીય વ્યાપારને બમણો કરવામાં આવશે. આ સમજૂતીથી વ્યાપાર, રોકાણ, ઇનોવેશન અને સપ્લાય ચેઈન સહયોગને નવી ગતિ મળશે. આનાથી ભારતીય નિકાસકારો માટે ન્યુઝીલેન્ડનું બજાર વધુ સુલભ બનશે અને ભારતમાં વિદેશી રોકાણનો પ્રવાહ વધશે.
ભારતમાં 20 મિલિયન ડોલરનું રોકાણ
આ સમજૂતી હેઠળ ન્યુઝીલેન્ડ આગામી 15 વર્ષોમાં ભારતમાં 20 મિલિયન ડોલરનું રોકાણ કરશે. આ રોકાણ મુખ્યત્વે કૃષિ, ડેરી, ફૂડ પ્રોસેસિંગ, શિક્ષણ, ટેકનોલોજી અને સ્ટાર્ટઅપ જેવા ક્ષેત્રોમાં કરવામાં આવશે. આનાથી ભારતમાં રોજગારીની નવી તકો ઊભી થશે અને આધુનિક ટેકનોલોજીનું આદાનપ્રદાન પણ શક્ય બનશે.
આ સમાચાર પણ વાંચો : Gold Price: સોના-ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઉલટફેર: આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું પ્રથમવાર $4,400 ને પાર, જાણો તમારા શહેરમાં ૧૦ ગ્રામ સોનાનો ભાવ.
ભારતની સાતમી મોટી FTA સફળતા
ન્યુઝીલેન્ડ સાથેની આ સમજૂતી છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતની સાતમી મોટી FTA છે. આ અગાઉ ભારત ઓમાન, યુએઈ, યુકે, ઓસ્ટ્રેલિયા, મોરેશિયસ અને EFTA દેશો સાથે આવા કરાર કરી ચૂક્યું છે. આ શ્રેણી દર્શાવે છે કે ભારત વિશ્વના વ્યાપાર નકશા પર એક ભરોસાપાત્ર અને મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ઝડપથી ઉભરી રહ્યું છે.
