ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
10 ઓક્ટોબર 2020
ભારતીય મૂળના વિખ્યાત કેળવણીકાર શ્રીકાંત દાતારને હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના ડીન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 112 વર્ષથી ચાલતી આ બિઝનેસ સ્કૂલ માંથી ભણીને બહાર આવવું એક સન્માનની વાત કહેવાય છે. નોંધનીય છે કે આ સ્કૂલના વર્તમાન ડીન નીતિન નોહરિયા પણ મૂળ ભારતીય છે. શ્રીકાંત દાતાર અમદાવાદની આઇઆઇએમના વિદ્યાર્થી હતા. આગામી 2021ના જાન્યુઆરીની પહેલીથી દાતાર પોતાની જવાબદારી સ્વીકારી લેશે.
હાર્વર્ડના અધ્યક્ષ લેરી બૈકોવે આ અંગે માહિતી આપતાં કહ્યું કે દાતાર એક ઇનોવેટિવ ક્ષિક્ષક હોવાની સાથોસાથ અનુભવી એકેડેમીશિયન છે. કોરોના મહામારી દરમિયાન પણ દાતારે સ્કૂલમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
શ્રીકાંત દાતાર હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના 11મા ડીન હશે. હાર્વર્ડના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે સતત બીજીવાર કોઇ ભારતીય ડીન બન્યા હોય. 1973માં શ્રી દાતારે મુંબઇ યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યા બાદ અમદાવાદની આઇઆઇએમમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હતું. આમ આજે અમેરિકામાં ઉચ્ચ પદો પર બેસી ભારતીયોએ વિશ્વમાં દેશનું નામ રોશન કર્યું છે..