ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
28 નવેમ્બર 2020
ઈરાનના પરમાણુ બોમ્બ કાર્યક્રમના જનક કહેવાતા ટોચના વૈજ્ઞાનિક મોહસિન ફખરીજાદેહની દેશની રાજધાની તહેરાનમાં ધોળાદિવસે હત્યા કરી દેવાઇ. આ હત્યા માટે ઇઝરાયલની ગુપ્તચર એજન્સી 'મોસાદ'ને જવાબદાર ગણવામાં આવ્યું છે. હુમલાખોરોએ મોહસિનની કાર પર ગોળીઓનો મારો કરતા મોત થયું છે. ટોચના ઇરાની વૈજ્ઞાનિકની હત્યાથી પશ્ચિમ એશિયામાં યુદ્ધના વાદળ મંડરાવા લાગ્યા છે.
આ ઘટના બાદ ઈરાને ઇઝરાયલ પર આકરા પ્રહારો કર્યા છે. ઇરાની વિદેશ મંત્રી મોહમ્મદ જવાદ ઝરીફ એ ટ્વિટર પર કહ્યું કે આતંકવાદીઓએ એક વિખ્યાત ઇરાની વૈજ્ઞાનિની હત્યા કરી છે. આ કાયરતાભર્યું કૃત્ય છે અને ષડયંત્રકર્તાઓની હતાશાને દર્શાવે છે. જોકે, ઇરાનના આ આરોપનો ઇઝરાયલે હજી સુધી કોઈ જવાબ આપ્યો નથી.
પરમાણુ વૈજ્ઞાની હત્યા નિર્ણાયક સમયે ઈરાન સામે આવી છે. એવી આશા છે કે આગામી અમેરિકન રાષ્ટ્રપતિ જો બીડેન ઈરાન સાથે પરમાણુ અંગે ફરીથી વાટાઘાટો કરી શકે છે. ઉલ્લેખનીય છે કે આઉટગોઇંગ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઇરાનના લશ્કરની મહત્વની વ્યક્તિ સોલેમાનીની હત્યા પછી બંને દેશો યુદ્ધની આરે આવી ગયા હતા.
મોહસિન ફખરીજાદેહ 1989થી જ અમેરિકા અને ઇઝરાયલની ગુપ્તચર એજન્સીઓના નિશાના પર રહ્યા છે. મોહિસનના પરમાણુ બોમ્બ કાર્યક્રમ ‘અમાદ’ને 2003ની સાલમાં રોકી દેવાયો હતો. ત્યારબાદથી જ મોહસિન કેટલાંય અન્ય પરમાણુ કાર્યક્રમોને જોઇ રહ્યા હતા.
આ બધાની વચ્ચે ઇરાનના ટોચના નેતા અયાતુલ્લા અલી ખોમેનીના સૈન્ય સલાહકારે કહ્યું કે અમે આ હત્યાકાંડનો બદલો લઇશું. તેમણે કહ્યું કે ટ્રમ્પ છેલ્લાં દિવસોમાં ઇઝરાયલ ઇરાન વચ્ચે યુદ્ધ ભડકાવાનો પ્રયત્ન કરી રહયાં છે…
હવે સવાલ એ છે કે ઈરાન જો ફાખરીઝાદેહના મોતનો બદલો લેવા માંગતો હોય તો તે શું કરશે.??
