News Continuous Bureau | Mumbai
મધ્ય-પૂર્વમાં વધી રહેલા ભારે તણાવ વચ્ચે ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ અમેરિકાની દિગ્ગજ ટેકનોલોજી કંપનીઓ પર સીધા હુમલાની ધમકી આપી છે. ઈરાને મેટા (ફેસબુક, ઇન્સ્ટાગ્રામ), ગૂગલ અને એપલ જેવી મોટી કંપનીઓને ચેતવણી આપી છે કે તેઓ હવે ઈરાનના અસલી નિશાન (Target) પર છે. ઈરાનનો આરોપ છે કે આ કંપનીઓ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને હાઈ-ટેક ટેકનોલોજી દ્વારા ઈરાની નેતાઓની હત્યા કરવામાં મદદ કરી રહી છે.
આજે રાત્રે 8 વાગ્યાથી હુમલા શરૂ કરવાની ચેતવણી
ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સી દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, IRGC એ ચેતવણી આપી છે કે 1 એપ્રિલ એટલે કે આજે સ્થાનિક સમય મુજબ રાત્રે 8:00 વાગ્યાથી આ વિસ્તારમાં કાર્યરત યુએસ ટેક કંપનીઓને ટાર્ગેટ કરવાનું શરૂ કરવામાં આવશે. ઈરાને આ કોર્પોરેટ ઓફિસોની આસપાસ રહેતા કર્મચારીઓ અને લોકોને તાત્કાલિક વિસ્તાર ખાલી કરવા માટે કહ્યું છે. ઈરાનનું કહેવું છે કે આ કંપનીઓ હાઈ-ટેક યુદ્ધ માટે જવાબદાર છે, જેના કારણે દેશનું નેતૃત્વ જોખમમાં મુકાયું છે.
આ સમાચાર પણ વાંચો : April Rule 2026: આજથી બદલાઈ ગયા આ 7 મોટા નિયમો; રેલવે ટિકિટ, ATM ટ્રાન્ઝેક્શન અને ઇનકમ ટેક્સમાં થયેલા ફેરફારોની તમારા ખિસ્સા પર શું થશે અસર?
હિટ લિસ્ટમાં સામેલ છે 18 થી વધુ દિગ્ગજ કંપનીઓ
ઈરાને તેની હિટ લિસ્ટમાં ખાસ કરીને 18 હાઈ-પ્રોફાઈલ કંપનીઓના નામ લીધા છે. આ યાદીમાં મેટા, ગૂગલ અને એપલ ઉપરાંત ટ્રાન્સપોર્ટેશન અને એનર્જી ગ્રુપ બોઈંગ (Boeing) અને ટેસ્લા (Tesla) નો પણ સમાવેશ થાય છે. આ સિવાય ઈન્ટેલ, માઈક્રોસોફ્ટ, ઓરેકલ, એનવીડિયા (Nvidia) અને પેલેન્ટિર જેવી એનાલિટિક્સ ફર્મ્સ પણ ઈરાનના નિશાના પર છે. ઈરાનનો દાવો છે કે આ કંપનીઓ ટાર્ગેટ નક્કી કરવા માટે એઆઈ અને સેટેલાઈટ ટ્રેકિંગનો ઉપયોગ કરી રહી છે, જે ઈઝરાયેલના હુમલાઓને સમર્થન આપે છે.
ટાર્ગેટેડ હત્યાઓના બદલામાં વિનાશની ધમકી
ઈરાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જો હવે પછી કોઈ પણ ઈરાની નેતાની ટાર્ગેટેડ હત્યા થશે, તો તેના બદલામાં એક અમેરિકન કંપનીનો વિનાશ કરવામાં આવશે. અમેરિકી સરકાર અને ટેક કંપનીઓએ ટોચના ઈરાની અધિકારીઓને નિશાન બનાવતા ઓપરેશન્સ રોકવાની અમારી ચેતવણીઓને અવગણી છે, જેના પરિણામે હવે આ આક્રમક પગલું ભરવામાં આવી રહ્યું છે. આ ધમકી બાદ અમેરિકી સુરક્ષા એજન્સીઓ અને ટેક જાયન્ટ્સમાં ભારે ફફડાટ ફેલાયો છે અને સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે.