ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૬ જુલાઈ ૨૦૨૧
મંગળવાર
કોરોનાના ડેલ્ટા વેરિયેન્ટનો ફેલાવો અને નિયંત્રણો હળવાં કરવાને કારણે ઇઝરાયલમાં કોરોના વાયરસ પ્રતિબંધાત્મક ફાઇઝરની રસીની અસરકારકતાના દરમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. એ જ સમયે, ગંભીર કેસો અને હૉસ્પિટલમાં દાખલ થવા સામેના રક્ષણમાં સરખામણીએ હળવો ઘટાડો નોંધાયો છે. જોકેઆ અંગે આરોગ્ય મંત્રાલય તરફથી કોઈ તાત્કાલિક ટિપ્પણી કરવામાં આવી નથી. તેમ સ્થાનિક મીડિયા હાઉસના એક અહેવાલમાં જણાવ્યું છે.
આંકડા દર્શાવે છે કે ૨ મેથી ૫ જૂન દરમિયાન, રસીની અસરકારકતાનો દર 94.3% હતો. 6 જૂનથી સરકારે કોરોના વાયરસ સંબંધિત પ્રતિબંધ રદ કર્યાના પાંચ દિવસ બાદથી જુલાઈની શરૂઆતમાં, દર ૬૪% થઈ ગયો હતો. અહેવાલમાં જણાવાયું છે કે કોરોના વાયરસનાં લક્ષણો સામેના રક્ષણમાં પણ આ જ ઘટાડો નોંધાયો હતો. એ જ સમયે હૉસ્પિટલમાં દાખલ થવા અને ગંભીર બીમારી સામે રક્ષણ મજબૂત રહ્યું છે. 2 મેથી 5 જૂન સુધી, હૉસ્પિટલમાં દાખલ થવાનો દર 98.3% હતો.6 જૂનથી 3 જુલાઈ સુધીમાં આ દર 93% રહ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ઇઝરાયલે વિશ્વની સૌથી વધુ અસરકારક રસીકરણ ડ્રાઇવ કરી હતી. લગભગ 57% સામાન્ય વસ્તીને રસીના બંને ડોઝ આપવામાં આવ્યા છે, જેમાં 50 વર્ષથી વધુ ઉંમરના 88% લોકોનો પણ સમાવેશ થાય છે.