News Continuous Bureau | Mumbai
Israeli Aviation Security Lapse ઇઝરાયલના બેન ગુરિયન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષા તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે, જ્યાં સત્તાવાર પ્રતિબંધ અને કડક પ્રોટોકોલ હોવા છતાં વિદેશી એરલાઇન્સના વિમાનો ઉડાવીને ૧૨થી વધુ ઓમાની પાયલટ્સ તેલ અવીવ પહોંચ્યા હોવાનો સનસનાટીપૂર્ણ ખુલાસો થયો છે.
Israeli Aviation Security Lapse – પ્રતિબંધ છતાં તેલ અવીવમાં ૧૨થી વધુ ઓમાની પાયલટ્સના ઉતરાણથી હડકંપ
વિશ્વની સૌથી અભેદ્ય ગણાતી ઇઝરાયલની એરપોર્ટ સિક્યુરિટીમાં એક મોટી ખામી સામે આવતાં આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા જાગી છે. તાજેતરમાં ફ્લાયદુબઈની ફ્લાઇટના કોકપિટમાં બનેલી હિંસક ઘટના બાદ હાથ ધરાયેલી આંતરિક સુરક્ષા સમીક્ષામાં બહાર આવ્યું છે કે છેલ્લા કેટલાક મહિનાઓમાં ૧૨થી વધુ ઓમાની નાગરિકતા ધરાવતા પાયલટ્સે કોમર્શિયલ ફ્લાઇટ્સનું સંચાલન કરીને તેલ અવીવના બેન ગુરિયન એરપોર્ટ પર લેન્ડિંગ કર્યું હતું. રાજદ્વારી સંબંધો ન ધરાવતા અથવા સુરક્ષા માપદંડો હેઠળ પ્રતિબંધિત દેશોના ક્રૂ મેમ્બર્સ માટે નિર્ધારિત કડક નિયમો હોવા છતાં આ પાયલટ્સને પ્રવેશ કેવી રીતે મળ્યો તે અંગે મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે.
Israeli Aviation Security Lapse – શિન બેટ અને એરપોર્ટ સિક્યુરિટી સિસ્ટમમાં કમ્યુનિકેશન ગેપનો પર્દાફાશ
આ ખુલાસા બાદ ઇઝરાયલની સ્થાનિક ગુપ્તચર એજન્સી ‘શિન બેટ’ (Shin Bet) અને સિવિલ એવિએશન ઓથોરિટી દોડતી થઈ ગઈ છે. પ્રાથમિક તપાસ મુજબ, આંતરરાષ્ટ્રીય એરલાઇન્સ દ્વારા સબમિટ કરવામાં આવતા ક્રૂ લિસ્ટ (Crew Manifests) ની ચકાસણી દરમિયાન એરલાઇન્સ સિસ્ટમ અને સ્થાનિક ઇમિગ્રેશન-સિક્યુરિટી ડેટાબેઝ વચ્ચે સંકલનનો મોટો અભાવ રહ્યો હતો. ફ્લાઇટ ક્રૂના ખાસ પાસ અને પરમિટ્સની આડમાં આ પાયલટ્સ ઇઝરાયલની સુરક્ષા ગ્રીડમાંથી સરકી ગયા હતા, જેને એજન્સીઓ ‘અત્યંત જોખમી સુરક્ષા છીંડું’ માની રહી છે.
Israeli Aviation Security Lapse – તમામ એરલાઇન્સ માટે ક્રૂ સ્ક્રિનિંગ પ્રોટોકોલ તાત્કાલિક કડક કરાયા
આ ગંભીર ત્રુટિ સામે આવ્યા બાદ ઇઝરાયલી સુરક્ષા સત્તાવાળાઓએ તેલ અવીવ આવતી તમામ વિદેશી એરલાઇન્સ માટે તાત્કાલિક અસરથી નવા આદેશો જારી કર્યા છે. હવેથી ઇઝરાયલ તરફ ઉડાન ભરતા તમામ ક્રૂ સભ્યોની રાષ્ટ્રીયતા, વ્યક્તિગત વિગતો અને બેકગ્રાઉન્ડ વેરિફિકેશન ફ્લાઇટ ટેક-ઓફના ઓછામાં ઓછા ૭૨ કલાક પૂર્વે સિક્યુરિટી ક્લિયરન્સ માટે મોકલવું ફરજિયાત કરવામાં આવ્યું છે. કોઈપણ પ્રકારના શંકાસ્પદ કે અમાન્ય દેશના પાસપોર્ટ ધારક પાઇલટ અથવા કેબિન ક્રૂને ઇઝરાયલી એરસ્પેસમાં પ્રવેશ ન આપવાની કડક ચેતવણી પણ આપવામાં આવી છે.