ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
16 જાન્યુઆરી 2021
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હજી ખુરશી છોડવાનું નામ નથી લેતાં. તો બીજી બાજુ શપથ ગ્રહણ પૂર્વે જ, યુનાઇટેડ સ્ટેટ્સના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો-બિડેને, અમેરિકન અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા મોટા પગલાં લીધાં છે. તેમણે કોરોનાથી દેશના અર્થતંત્રને પાટા પર લાવવા 1.9 ટ્રિલિયન ડોલરનું રાહત પેકેજ જાહેર કર્યું છે.
આ પગલાથી, દરેક અમેરિકનના ખાતામાં 1400 સીધા જ જશે. આ પેકેજમાં કોરોના સામે લડવા માટે 415 અબજ ડોલર આપવામાં આવ્યા છે. જ્યારે નાના વેપાર માટે 440 અબજ ડોલરની જાહેરાત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે અમેરિકામાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધીમાં 3 લાખ 85 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.
નોંધનીય છે કે બિડેને ચૂંટણી પ્રચાર દરમિયાન જ કોરોના સામે લડવા માટે મોટા પગલા ભરવાનું વચન આપ્યું હતું. તેમની જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે અમેરિકામાં દરરોજ સરેરાશ 2 લાખ નવા કેસ કોરોનાના આવે છે અને રોજ 4 હજાર લોકો મરી રહ્યા છે.
ગુરુવારે ટીવી પર પ્રાઇમ ટાઇમ ભાષણ દરમિયાન જઓ બિડેને કહ્યું કે, 'આજે આપણા દેશની આરોગ્ય વ્યવસ્થા પડકારોનો સામનો કરી રહી છે. આપણે આ અંગે તાત્કાલિક પગલાં ભરવા પડશે. આથી તેઓ દરેક અમેરિકનને રસી લાગુ કરવા માટે 20 અબજ ડોલર ખર્ચ કરશે.' એમ પણ તેમને જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે અમેરિકામાં અત્યારે બેરોજગારી સતત વધી રહી છે. હાલમાં ત્યાં લગભગ 18 મિલિયન બેરોજગાર લોકો છે. બીડેનની નવી જાહેરાત સાથે જ, જે લોકો પાસે નોકરી નથી, તેઓને દર અઠવાડિયે $ 300 ને બદલે $ 400 મળશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટ્રમ્પની પાર્ટી નવા ભારે આર્થિક પેકેજનો વિરોધ કરી શકે છે..
