ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 ઓક્ટોબર, 2021
ગુરુવાર
છેલ્લાં પાંચ અઠવાડિયાંથી ઑસ્ટ્રેલિયાના ક્વીન્સલૅન્ડમાં અદાણીની કારમાઇકલ કોલસાની ખાણની જગ્યા પર કબજો જમાવનાર ફર્સ્ટ નૅશન્સ સ્વદેશી લોકોના જૂથને પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે તેઓ તેમને બળજબરીથી આ વિસ્તારમાંથી હટાવવામાં આવશે નહીં.
મીડિયા સંસ્થા ધ ગાર્ડિયનના જણાવ્યા મુજબ આ વિરોધ કરનારા લોકો વાંગાન અને જગલિંગુ જૂથના છે અને ખાણની જમીનના પરંપરાગત માલિકો છે. તેઓએ અદાણીની ખાણની સીમા અંદર સાંસ્કૃતિક સમારોહ ઑગસ્ટના અંતમાં શરૂ કર્યો હતો.
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે અદાણીએ આ જૂથને ‘પરંપરાગત પ્રવૃત્તિની આડમાં અતિક્રમણ કરી રહ્યા છે’ એવું કહ્યું હતું. ‘ધ ગાર્ડિયન’ દ્વારા રજૂ કરાયેલા ઑડિયો રેકૉર્ડિંગમાં પોલીસ અધિકારીઓ સ્વદેશી લોકોના જૂથને કહ્યું હતું કે અમે સમજી શકીએ છીએ કે સંસ્કૃતિ સાથે તમારું જોડાણ અદૃશ્ય થઈ રહ્યું છે અને તમે એને ગુમાવવા માગતા નથી.
પોલીસ અધિકારીએ રેકૉર્ડિંગમાં કહ્યું હતું કે તમે અત્યારે તમારી ધાર્મિક ક્રિયાઓ કરી રહ્યા છો. માનવ અધિકાર કાયદા હેઠળ તમને અમે ન અટકાવી શકીએ અને અમે એવું કરવા પણ નથી માગતા. અમારો તમને ટેકો છે. અદાણીએ વાંગાન અને જગલિંગુ લોકો સાથે ઔપચારિક જમીન-ઉપયોગ કરાર કર્યો હોવા છતાં, કેટલાક પરંપરાગત માલિકો દ્વારા આ પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવ્યો છે. ખાણ સામે અનેક વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે.
એક વાંગન અને જગલિંગુ વ્યક્તિ કોએડી મેકઅવોયે ‘ધ ગાર્ડિયન’ને કહ્યું કે અમારું જૂથ અમારી સાંસ્કૃતિક અને ધાર્મિક વિધિ અમારી જમીન પર કરી રહ્યું છે, આ સ્થાન અમારા પૂર્વજોનું છે.