ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,12 જાન્યુઆરી 2022
બુધવાર.
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો વિવાદો સાથે જૂનો સંબંધ છે. તેની સાથે જોડાયેલો એક નવો મામલો સામે આવી રહ્યો છે, જેમાં ન્યૂયોર્કમાં રહેતા એક વ્યક્તિ પર તેનું અપહરણ કરીને હત્યા કરવાનો આરોપ છે. આ પછી પોલીસે તે વ્યક્તિની ધરપકડ કરી છે. બ્રુકલિન ન્યુ યોર્કમાં પ્રોસિક્યુટર્સ કહે છે કે, થોમસ મેલ્નિક નામના વ્યક્તિએ ઇરાદાપૂર્વક યુએસના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને મારી નાખવા, અપહરણ કરવાની અને શારીરિક નુકસાન પહોંચાડવાની ધમકી આપી હતી. તેણે આ ધમકી વર્ષ ૨૦૨૦માં આપી હતી, જ્યારે એક ઈન્ટરવ્યુ દરમિયાન તેણે ન્યૂયોર્ક પોલીસને કહ્યું હતું કે, જાે ટ્રમ્પ ૨૦૨૦ની ચૂંટણી હારી જશે અને પદ છોડવાનો ઈન્કાર કરશે તો તે હથિયાર ઉઠાવશે અને તેમને મારી નાખશે
મેલ્નિક પર ગયા વર્ષે જાન્યુઆરીમાં ન્યૂયોર્કના લોંગ આઇલેન્ડમાં સિક્રેટ સર્વિસની ઓફિસમાં બે વૉઇસ મેઇલ મેસેજ મોકલવાનો પણ આરોપ છે. જેમાં તેણે ટ્રમ્પ તેમજ કોંગ્રેસના ૧૨ અજાણ્યા સભ્યોને મારી નાખવાની ધમકી આપી હતી. જેમાં તેણે કહ્યું હતું કે, ‘હા, તે ધમકી છે. આવો અને મારી ધરપકડ કરો. હું તેને મારવા માટે કંઈપણ કરીશ.’ મેલ્નિક પર ગયા નવેમ્બર મહિનામાં ન્યૂયોર્ક સિટીમાં સિક્રેટ સર્વિસ ડેસ્ક પર ત્રણ વખત ફોન કરવાનો અને દરેક વખતે નામથી ઓળખાણ આપવાનો આરોપ છે. આટલું જ નહીં, ગયા મહિને અન્ય એક કોલમાં તેણે કહ્યું હતું કે, નવું ગૃહ યુદ્ધ ફાટી શકે છે.
ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ટૂંક સમયમાં પોતાની સોશિયલ મીડિયા એપ લોન્ચ કરવા જઈ રહ્યા છે. તેને ટ્રુથ સોશિયલ નામ આપવામાં આવ્યું છે. ટ્રમ્પે આવું એટલા માટે કર્યું છે કારણ કે, તેમના પર ફેસબુકથી લઈને ટિ્વટર સુધી લગભગ દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.