ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
સામ્યવાદી ચીન પોતાના વિચારોમાં ઘણું અડગ અને મક્કમ રહ્યું છે. તે અભિગમ આખા વિશ્વમાં દેખાય છે. ત્યારે ચીનમાં MeeToo ચળવળ શરૂ કરનારી સ્ત્રીનો અવાજ કાયદા થકી કચડી નાખવામાં આવ્યો.
આ ચીનના બેઇજિંગની વાત છે. MeToo ચળવળ વિશે તો તમને ખબર જ હશે. એમાં મહિલાઓ તેમની અને તેમના આરોપીઓ સાથેની જાતીય સતામણીની વાતને સોશિયલ મીડિયા પર ઉજાગર કરે છે. 28 વર્ષીય ઝાઉ શિયાઓશુઆન, જે ચીનમાં MeeToo ચળવળના આઇકોન હતાં, તેમનો કેસ હારી ગયાં. તેમણે ચીનના પ્રખ્યાત ટીવી એન્કર પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો હતો. બેઇજિંગની એક કોર્ટે આ હાઈ પ્રોફાઇલ કેસમાં સીસીટીવીના ટીવી હોસ્ટ ઝુ જુનને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટમાંથી બહાર નીકળ્યા બાદ, ઝાઉ ખૂબ નિરાશ હતા. આ દરમિયાન તેને કોર્ટમાં ઝપાઝપી અને વિરોધનો પણ સામનો કરવો પડ્યો હતો.
શું ચાર્જ હતો?
ઝાઉ શિયાઓશુઆને સૌપ્રથમ 2018માં સોશિયલ મીડિયા પોસ્ટ લખીને જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. મહિલાએ એક મીડિયાહાઉસને જણાવ્યું કે વર્ષ 2014માં તેણે સીસીટીવી ચૅનલમાં ઇન્ટર્ન તરીકે કામ કરવાનું શરૂ કર્યું, જ્યાં મજબૂત ટીવી એન્કર ઝુ જૂને તેને ચુંબન કરવાનો પ્રયાસ કર્યો અને તેને અયોગ્ય રીતે સ્પર્શ પણ કર્યો. એ સમયે મહિલાની ઉંમર 21 વર્ષ હતી. તેમની પોસ્ટ વાયરલ થઈ, જે અન્ય મહિલાઓ માટે ઉદાહરણ બની. એ પછી, MeToo ચળવળ હેઠળ, ઘણી મહિલાઓએ તેમની સાથે થયેલી ઘટનાઓ ઑનલાઇન શૅર કરી. ઝાઉ તે સમયે ચીનમાં MeeToo ચળવળનો મોટો ચહેરો બની ગયાં હતાં.
ચીનમાં આવા કેસો જીતવા મુશ્કેલ છે
ઝાઉએ કોર્ટ સમક્ષ માગ કરી હતી કે ટીવી એન્કર જાહેરમાં તેની માફી માગે અને 50 હજાર યુઆન નુકસાની તરીકે આપવામાં આવે, પરંતુ પુરાવાના અભાવે તે કેસ હારી ગઈ. હકીકતમાં, ચીની અદાલતોમાં આવા કેસો સાંભળવાની બહુ ઓછી પરવાનગી છે. જોકે ચીની સરકારે એક કાયદો પસાર કર્યો છે, જેમાં જાતીય સતામણીની વ્યાખ્યા સ્પષ્ટ કરવામાં આવી છે. કેસ હાર્યા બાદ તે કોર્ટની બહાર નિરાશ દેખાતી હતી. તેના સમર્થકોનો આભાર માનતાં તેણે કહ્યું કે હવે હું થાકી ગઈ છું, મારા જીવનનાં છેલ્લાં ત્રણ વર્ષ ખૂબ જ મુશ્કેલ રહ્યાં છે. હું હવે લડી શકતી નથી.