ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 ઑગસ્ટ, 2021
શુક્રવાર
તાલિબાને 15 ઑગસ્ટના રોજ અફઘાનિસ્તાન પર કબજો કર્યો ત્યારથી ત્યાંની સ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થઈ રહી છે. રાષ્ટ્રપતિ, સાંસદ, રાજનેતાથી લઈને સેલિબ્રિટી સુધીના દેશ છોડી રહ્યા છે. લોકો પોતાના ભવિષ્યની ચિંતા કરીને અફઘાનિસ્તાનમાંથી ભાગી રહ્યા છે. સોશિયલ મીડિયા પર અફઘાનથી એવી તસવીર અને વીડિયો સામે આવી રહ્યા છે, જે ડરાવનારાં છે. દરમિયાન અફઘાનિસ્તાનના જાણીતા સિંગર હબીબુલ્લાહ શાબાબે પણ તાલિબાનના ડરથી ગીત ગાવાનું છોડી દીધું છે. શાબાબ હવે શાકભાજી વેચી રહ્યો છે. તેનો શાકભાજી વેચતો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
હબીબુલ્લા શબાબે કહ્યું કે "તાલિબાને મ્યુઝિક પર પ્રતિબંધ લગાવી દીધો છે. એથી હવે શું ગીત ગાઈશ? ફક્ત મારા પોતાના નાના બિઝનેસ પર પૂરી રીતે ધ્યાન આપવા માગું છું. તેનું કહેવું છે કે હવે અહીં સિંગિંગ બિઝનેસ પૂરી રીતે ઠપ જોવા મળી રહ્યો છે, તો આવામાં કઈંક તો કામ કરવું પડશે.
નોંધનીય છે કે હબીબુલ્લાહ શાબાબ, હેલમેંડ પ્રાંતનો લીડિંગ આર્ટિસ્ટ અને સિંગર છે. તેનો અવાજ ઘણો સરસ છે. તેણે તાજેતરના ઇન્ટરવ્યૂમાં એ વાત જણાવી નથી કે અંતે સિંગિંગમાંથી બિઝનેસ તરફ જવાનો રસ્તો શા માટે પસંદ કર્યો. જોકે તાલિબાનના કબજા પછીથી જે રીતે આર્ટિસ્ટ ત્યાંથી ભાગી રહ્યા છે એ સ્પષ્ટ દર્શાવે છે કે લોકો પોતાના હુન્નરના બદલે શાંતિથી જીવન પસાર કરવા માગે છે. આ પહેલાં અફઘાન પૉપ સ્ટાર આર્યાના સઇદે પણ કાબૂલ છોડી દીધું છે. હાલ તે અમેરિકામાં છે.