ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
05 નવેમ્બર 2020
ગિલગિટ-બાલ્ટિસ્તાન ને અસ્થાયી પ્રાંતનો દરજ્જો આપવાના પાકિસ્તાન સરકારના નિર્ણય પર ચીને પહેલીવાર પ્રતિક્રિયા આપી છે. ચીને કહ્યું હતું કે, તે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં ગિલગિટ-બાલ્ટિસ્તાનને અસ્થાયી પ્રાંતનો દરજ્જો આપવાના ઈસ્લામાબાદના પગલાને લઈને માહિતગાર છે. આ મુદ્દાનું સંયુક્ત રાષ્ટ્ર (UN) ચાર્ચર અને સુરક્ષા પરિષદના (UNSC) પ્ર્રાસંગિક પ્રસ્તાવો સાથે દ્વિપક્ષીય સમજુતિને અનુરૂપ શાંતિપૂર્ણ અને યોગ્ય રીતે સમાધાન થવું જોઈએ.
ગિલગિટ-બાલ્ટિસ્તાન પર પાકિસ્તાનના નિર્ણય ને લઈને ચીની વિદેશ મંત્રાલયના પ્રવાક્તા વાંગ વેનબિને કહ્યું હતું કે, ‘અમે સંબંધિત અહેવાલો જોયા છે. કાશ્મીર મુદ્દે ચીનની સ્થિતિ દ્રઢ અને સ્પષ્ટ છે. તે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઈતિહાસ સાથે સંકળાયેલો મુદ્દો છે. સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર અને સુરક્ષા પરિષદના પ્રાસંગિક પ્રસ્તાવો અને દ્વિપક્ષીય સમજુતિને અનુરૂપ તેનું શાંતિપૂર્ણ અને યોગ્ય રીતે સમાધાન થવુ જોઈએ.’
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને રવિવારે PoKના ગિલગિટ-બાલ્ટિસ્તાન વિસ્તારને અસ્થાયી પ્રાંતનો દરજ્જો આપતી જાહેરાત કરી હતી. ઈમરાન ખાન સરકારના આ નિર્ણયનો ભારતે આકરો વિરોધ નોંધાવ્યો હતો. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવએ કહ્યું હતું કે, ‘ભારત, ભારતીય ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારના ફેરફારની પાકિસ્તાનના પ્રયાસનો સખત વિરોધ કરે છે જ્યા ઈસ્લામાબાદે ગેરકાયદે અને પરાણે કબજો કરી રાખ્યો છે. ભારતે પાકિસ્તાનને આ વિસ્તાર તત્કાલ ખાલી કરવા કહ્યું છે.’
