ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
19 ઓક્ટોબર 2020
પાકિસ્તાનમાં વિરોધ પક્ષ પર સરકાર કડક બની છે. ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની પુત્રી મરિયમ નવાઝના પતિની ધરપકડ કરવામાં આવી છે. મરિયમે રવિવારે સરકારવિરોધી રેલીમાં ભાષણ આપ્યું હતું. એના થોડા કલાકો પછી આ કાર્યવાહી થઈ હતી. મરિયમે સોમવારે ટ્વીટ કર્યું કે – પોલીસે કરાચીમાં જ્યાં અમે રોકાયાં હતાં એ હોટલના રૂમનો દરવાજો તોડી નાખ્યો અને કેપ્ટન સફદર અવાનની ધરપકડ કરી લઈ ગઈ છે.
મરિયમ નવાઝ- પાકિસ્તાન સરકારમાં સૈન્યની દખલ વિરુદ્ધ ખુલ્લેઆમ બોલી રહી છે. તેમણે રવિવારે કરાચીમાં 11 પક્ષોની ગઠબંધન પબ્લિક ડેમોક્રેટિક મૂવમેન્ટ (PDM)ની એક રેલીમાં ભાગ લીધો હતો. પોતાના ભાષણમાં તેણે સરકારની ટીકા કરી હતી. ઉલ્લેખનીય છે કે, રવિવારે મરિયમ, તેના પતિ અને પાર્ટીના 200 કાર્યકરો સામે સરકારના પ્રતિનિધિઓએ કરાચીના બ્રિગેડ પોલીસ સ્ટેશનમાં FIR નોંધવી હતી. તેના પર જિન્નાહની સમાધિની પવિત્રતાના ભંગનો આરોપ મુકાયો હતો. જોકે હજી એ અંગે સ્પષ્ટ રીતે જણાવાયું નથી.
મરિયમના પતિ, નિવૃત્ત કેપ્ટન સફદર અવાને સમાધિમાંથી પાછા આવ્યા પછી 'વોટ કો ઇજ્જત દો' ના નારા લગાવ્યા હતા. તેમણે લોકોને પોતાની સાથે આવવા અપીલ કરી હતી. કરાચી પહેલા ગુજરાંવાલામાં પણ PDMની રેલી યોજાઇ હતી. તે સમયે શુક્રવારે વિપક્ષી ગઠબંધનની રેલીમાં સૈન્યના જનરલ્સ અને આર્મી ચીફ પર આરોપ મૂકવામાં આવ્યા હતા. વડાપ્રધાન ઇમરાન ખાને તેની નિંદા કરી હતી. આ અંગે વિપક્ષી નેતા બિલાવલ ભુટ્ટોએ સ્પષ્ટતા આપી કહ્યું હતું કે ઇમરાનને વિપક્ષ પર આરોપ લગાવવાનો કોઈ અધિકાર નથી. તેઓ પસંદ કરેલા વડાપ્રધાન છે અને તેમના કારણે સેના પર આરોપ લગાવવામાં આવી રહ્યા છે. ઈમરાને જ વિપક્ષને સેનાનું નામ લેવા માટે મજબૂર કર્યા છે.
