ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 16 ડિસેમ્બર 2021
ગુરુવાર
દેઉબા પાર્ટીની ચૂંટણીમાં પ્રથમ આવ્યા હતા, પરંતુ તેઓ અધ્યક્ષ પદ માટે ચૂંટણી જીતી શક્યા ન હતા કારણ કે તેમને પક્ષના ૧૪મા સામાન્ય સત્ર દરમિયાન પડેલા કુલ મતોના ૫૦ ટકાથી વધુ મત મળ્યા ન હતા. પાર્ટીના નિયમો અનુસાર પાર્ટીના અધ્યક્ષ બનવા માટે ઉમેદવારને ૫૦ ટકાથી વધુ વોટ મળવાના હોય છે. જાે આમ ન થાય તો પ્રથમ અને બીજા તબક્કાના મતદાનમાં સૌથી વધુ મત મેળવનાર ઉમેદવારો વચ્ચે જંગ જામે છે. દેઉબા ચાર વખત નેપાળના વડાપ્રધાન રહી ચૂક્યા છે. તેમને ભારત તરફી ગણવામાં આવે છે. ૨૦૧૭માં જ્યારે તેઓ વડાપ્રધાન બન્યા ત્યારે તેઓ દિલ્હી આવ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. તેઓ ભારત અને મધેસીઓ સાથેના આર્થિક સંબંધો અંગે તેમના નરમ વલણ માટે પણ જાણીતા છે. નેપાળી કોંગ્રેસના પ્રતિનિધિઓએ આગામી ચાર વર્ષ માટે સત્તાધારી પક્ષના નવા પ્રમુખની ચૂંટણી માટે મતદાન કર્યું. જેમાં દેઉબાનો વિજય થયો છે.નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબાની રાજકીય શક્તિમાં વધારો થયો છે. તેઓ નેપાળી કોંગ્રેસના પ્રમુખની ચૂંટણી જીત્યા છે. દેઉબાને ૪,૬૨૩માંથી ૨,૭૩૩ વોટ મળ્યા. જાેકે, ચૂંટણી મંડળે હજુ સત્તાવાર રીતે પરિણામ જાહેર કર્યા નથી. પરંતુ દેઉબા પાર્ટી અધ્યક્ષ તરીકે બીજી ટર્મ માટે ચૂંટાયા છે. તેમણે ડો.શેખર કોઈરાલાને હરાવ્યા છે. બાકીના ઉમેદવારોએ બીજા તબક્કામાં જ હાર સ્વીકારી લીધી હતી. દેઉબા અને કોઈરાલા ઉપરાંત પ્રકાશ માન સિંહ, બિમલેન્દ્ર નિધિ અને કલ્યાણ ગુરુંગ ઉમેદવાર હતા. પ્રથમ રાઉન્ડમાં, દેઉબા સહિત પાંચમાંથી કોઈ પણ ઉમેદવારને કુલ પડેલા મતોના ૫૦ ટકાથી વધુ મત મળ્યા નથી. જે પછી નેપાળી કોંગ્રેસના પ્રતિનિધિઓએ મંગળવારે પાર્ટી અધ્યક્ષ (શેર બહાદુર દેઉબા ચૂંટણી જીત્યા)ની પસંદગી માટે બીજી વખત મતદાન કર્યું. સોમવારના મતદાનમાં કુલ ૪,૭૪૩ લાયક મતદારોમાંથી ૪,૬૭૯ માન્ય મત પડ્યા હતા અને ૭૬ અમાન્ય જાહેર થયા હતા. જેમાં વડાપ્રધાન અને નેપાળી કોંગ્રેસના વર્તમાન અધ્યક્ષ દેઉબા અને શેખર કોઈરાલાને અનુક્રમે ૨,૨૫૮ અને ૧,૭૦૨ મત મળ્યા હતા.